Western Times News

Gujarati News

ડેવલોપર્સના ચાર ભાગીદારોએ એકાઉન્ટન્ટ સાથે 1.34 કરોડની છેતરપિંડી કરી

પ્રતિકાત્મક

અમરોલીમાં જમીન ખરીદી પ્રોજેક્ટ મૂકી સંખ્યાબંધ લોકો પાસેથી પૈસા પડાવ્યા-જમીનમાં પ્લોટીંગ કરી એકાઉન્ટન્ટ પાસે સાત દુકાનનું ગ્રુપ બુકીંગ કરાવી પૈસા પડાવ્યા

સુરત,  શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ દ્વારા અમરોલી વિસ્તારમાં પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ સાથે મળી કુલ સાત દુકાનનું ગ્રુપ બુકીંગ કરાવવામાં આવ્યું હતું. નવા પ્રોજેક્ટમાં સાત દુકાન બુકિંગ કરાવી તેઓએ 1.34 કરોડ જેટલી રકમ તુલસીપત્ર ડેવલોપર્સના લીગલ ભાગીદારોને ચૂકવી દીધી હતી પરંતુ ત્યારબાદ આ ભાગીદારોએ પ્લોટીંગમાં દુકાન નહીં બનાવી

અને પૈસા પણ પરત નહીં આપી એકાઉન્ટન્ટ સાથે તથા તેના સગા સંબંધીઓ સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર એકાઉન્ટન્ટ દ્વારા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લીગલ ભાગીદાર સામે 1.34 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સિંગણપોર કોઝવે રોડ પર ડી માર્ટ ની પાસે આવેલ સુમન દર્શનમાં રહેતા દેવરાજભાઈ રામજીભાઈ બાપોદરીયા એકાઉન્ટન્ટ એન્ડ ટેક્સ કન્સલ્ટિંગ તરીકે કામ કરે છે. તેમના સંબંધી પંકજકુમાર ચતુરભાઈ સોજીત્રા (રહે રુક્ષ્મણી સોસાયટી તાપી દર્શન સામે નાના વરાછા) એ અગાઉ વર્ષ 2017માં અમરોલી વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ ની પાછળ તથા સ્ટાર પેલેસ ની સામે કોસાડના ટીપી સ્કીમ 66 ક્રિષ્ના રેસીડેન્સી ની બાજુમાં તેઓએ તુલસીપત્ર ડેવલોપર્સના લીગલ ભાગીદાર થઈ જમીન ખરીદી હોવાની વાત કરી હતી.

જેથી તેઓએ દેવરાજભાઈ ને દુકાન બુકિંગ કરાવવા માટે જણાવતા દેવરાજભાઈએ પંકજભાઈ ની વાત પર વિશ્વાસ કરી તેઓએ તથા તેના સગા સંબંધીઓએ મળી કુલ રૂપિયા 2.15 કરોડમાં સાત દુકાન બુકિંગ કરાવી હતી. ત્યારબાદ અત્યાર સુધી તુલસીપત્ર ડેવલોપર્સના તમામ લીગલ ભાગીદારે દુકાનોના બાંધકામની માત્ર વાતો કરી સમય પસાર કર્યો હતો.

બાદમાં દુકાનનું બાંધકામ ન કરવામાં આવતા દેવરાજભાઈ અને તેના સગા સંબંધીઓએ પૈસા પરત માંગતા છેલ્લા છ વર્ષથી તમામ લીગલ ભાગીદારોએ માત્ર ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી દેવરાજભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેઓએ અમરોલી પોલીસ મથકમાં પંકજભાઈ સોજીત્રા તથા તુલસી ડેવલોપર્સના તમામ લીગલ ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પંકજકુમાર ચતુરભાઈ સોજીત્રા (રહે-૨૬૨, રૂક્ષમણીનગર સોસાયટી, તાપી દર્શનની સામે, નાના વરાછા), યોગેશકુમાર વિનુભાઈ શીગાળા (રહે-૨૯, નિલકમલ પાર્ક સોસાયટી, કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ, વરાછા રોડ), પુર્વીબેન દિલિપકુમાર સખીયા (રહે:- ફ્લેટ નં-સી/૪૦૨, સ્વસ્તિક ટાવર, સરથાણા), દિલિપકુમાર દેવશીભાઈ સખીયા સામે 1.34 કરોડની છેતરપંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.