21 દિવસમાં 1.45 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી નોક્ટર્નલ ઝૂની
કાંકરિયા લેકફ્રન્ટને વેકેશન ફળ્યુંઃ કિડ્સ સિટીની ૩૭૫૧ લોકોએ મુલાકાત લીધી
અમદાવાદ, આબાલ-વૃદ્ધોમાં ભારે લોકપ્રિય એવા કાંકરિયા લેકફ્રન્ટ એવા કાંકરિયા લેકફ્રન્ટ તરફ વેકેશનનો સમય ચાલતો હોઈ સ્વાભાવિકપણે સહેલાણીઓનો ધસારો વધ્યો છે. (nocturnal zoo in ahmedabad) ખુદ મ્યુનિ.તંત્રના સત્તાવાર આંકડા દર્શાવે છે કે ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં જ ૧.૨૦ લાખ સહેલાણીઓથી મ્યુનિ.તિજાેરીમાં આવક પેટે રૂ.૨૫.૩૦ લાખથી વધુ નાણાં ઠલાવાયાં હતાં.
આમ તો કાંકરિયા લેકફ્રન્ટમાં લોકોને આકર્ષે એવી અનેક બાબતો છે. નાના ભૂલકાંને વહાલી એવી મિની ટ્રેન ઉપરાંત કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય પાર્ક, નોક્ટર્નલ ઝૂ, વોટર એક્ટિવિટીઝ, રાઈડ્સ, ગેમ ઝોન વગેરે છે, પરંતુ આ તમામ લોકોને મંત્રમુગ્ધ કરનારી બાબતોમાં ખાસ કરીને નોક્ટર્નલ ઝૂ લોકપ્રિયતાના મામલે અવ્વલ નંબર છે.
તંત્રના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ છેલ્લા ૨૧ દિવસમાં કુલ ૧.૪૫ લાખથી વધુ સહેલાણીઓએ નોક્ટર્નલ ઝૂની મોજ માણી છે.
મ્યુનિ.સત્તાવાળાઓ દ્વારા અપાયેલી માહિતી મુજબ ગત તા.૧૬થી ૩૦ એપ્રિલ સુધીના સમયગાળામાં નોક્ટર્નલ ઝૂની કુલ ૧,૦૨,૭૦૦ સહેલાણીઓએ મુલાકાત લેતા તેનાથી તંત્રને કુલ રૂ.૪૪.૦૮ લાખની કમાણી થઈ હતી, જ્યારે ચાલુ મે મહિનાની તા.૧થી ૭ સુધીમાં નોક્ટર્નલ ઝૂની વધુ ૪૩ હજાર સહેલાણીઓએ મુલાકાત લેતા મ્યુનિ.કોર્પાેરેશનને વધુ રૂ.૧૮.૧૭ લાખની આવક થવા પામી હતી. આમ છેલ્લા ૨૧ દિવસમાં મ્યુનિ.સત્તાધીશોને એકલા નોક્ટર્નલ ઝૂમાં કુલ ૧,૪૫,૭૦૦ સહેલાણીઓથી કુલ રૂ.૬૨.૨૫ લાખની આવક થઈ હતી.
જ્યારે કિડ્સ સિટીની આ સમયગાળામાં કુલ ૩૭૫૧ સહેલાણીઓએ મુલાકાત લેતા તંત્રએ કુલ ૨,૮૫,૯૨૦ની આવક મેળવી હતી. પ્રાણી સંગ્રહાલયની કુલ ૪૪૯૮ સહેલાણીઓએ મુલાકાત લેતાં કુલ રૂ.૬૧,૩૮૦ની આવક, બાલવાટિકાની કુલ ૩૧,૮૦૦ સહેલાણીઓએ મુલાકાત લેતાં કુલ રૂ.૧,૦૦,૭૦૦ની આવક અને બટરફ્લાય પાર્કની કુલ ૧૬,૪૦૦એ મુલાકાત લેતાં કુલ રૂ.૧,૩૬,૫૦૦ની આવક થઇ હતી.