1.60 કરોડ બાળકોની RBSK ના ૯૯૨ વાહનોમા હેલ્થ ટીમ થકી સ્ક્રિનિંગ અને સારવાર થશે
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના વાહનોને ફ્લેગ ઓફ કરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર જિલ્લામાં ૨૪ આર.બી એસ.કે વાહનોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી RBSKના નવા વાહનોનુ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આર.બી એસ.કે અંતર્ગત જન્મથી લઇ ૧૮ વર્ષ સુધીના બાળકોનુ સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કરવામાં આવે છે.
આ કામગીરી સ્વસ્થ અને સક્ષમ પેઢીના નિર્માણ માટે મહત્વની બની રહેશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આર.બી એસ.કે ની ટીમ શહેરથી લઈને ગામના અંતિમ બાળકને પ્રાઇમરી અને ટર્સરી પ્રકારની તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા આ વાહનોમા સજ્જ હેલ્થ ટીમ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.
આજે ગાંધીનગર જિલ્લામાં ૨૪ નવીન RBSK વાહનોનું લોકાર્પણ કરાયું છે . સમગ્ર ગુજરાતમાં ૯૯૨ વાહનો રાજ્યના બાળકોનું ઘરે ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસની શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા છે.
એક વાહન દરરોજ ૭૦થી ૮૦ જેટલા બાળકો ની તપાસ હાથ ધરે છે. રાજ્યના ૧ કરોડ ૬૦લાખ બાળકો ને આર.બી એસ.કે અંતર્ગત સુવિધા અને સારવાર માટે આવરી લેવામાં આવ્યા છે. RBSKના વાહનોને મળેલા નવા સ્વરૂપ તેનું બ્રાન્ડિંગ ગ્રામ્ય સ્તરે અસરકારક બનાવીને આ ટીમની કામગીરીને નવી ઓળખ આપશે. જેના થકી બાળકો માટે આ સુવિધા સઘન અને સરળતાથી પહોંચશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ આર.બી એસ.કે ની ટીમ સાથે સંવાદ સાધીને તેમની કામગીરી અંગે વિગતવાર તાગ મેળવ્યો હતો.
આર.બી એસ.કે વાહનોના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, એન.એચ.એમ ના ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.