Western Times News

Gujarati News

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં 1.80 લાખ કરોડના રોકાણથી 50 હજારથી વધુ રોજગારી ઉભી થશે

૫૦૦૦૦ થી વધારે લોકોને રોજગારીની તક

ગાંધીનગર, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં રોકાણ માટે ચાર એમઓયુ સાઈન કરાયા હતા. આ રોકાણને કારણે ગુજરાતમાં ૫૦ હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના સર્જાઇ છે.

રિન્યુએબલ એનર્જી સમિટના બીજા દિવસે એટલે કે મંગળવારે ૧.૮૦ લાખ કરોડ રૂપિયાના કુલ ચાર એમઓયુ સાઈન કરાયા હતા. જેમાં પીજીસીઆઈએલ અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. ૫ હજાર કરોડ, જીએસઈસી અને જીયુવીએનએલ વચ્ચે રૂ. ૫૯ હજાર કરોડ, અવાડા એનર્જી અને જીપીસીએલ વચ્ચે રૂ. ૮૫ હજાર કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને જેડા વચ્ચે રૂ. ૩૦ હજાર કરોડના એમઓયુ સાઈન થયા છે.

આ રોકાણને કારણે ગુજરાતમાં ૫૦ હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ કરાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, ગ્લોબલ ડેસ્ટિનેશન અને ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની ૫૦ હજાર મેગાવાટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં ૫૪ ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે.

જ્યારે કેન્દ્રના નવીન અને નવીકરણીય ઊર્જાના મંત્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યુ કે સમગ્ર વિશ્વ આજે ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિશેષ પ્રભાવની સાથે પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખે છે. દાયકાઓથી ગુજરાત નવીનીકરણ ઊર્જાના વિકાસમાં અગ્રેસર રહ્યું છે. રિન્યુએબલ એનર્જી પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનારું ગુજરાત સમગ્ર વિશ્વનું પ્રથમ રાજ્ય છે.

ગુજરાતમાં ૩૦૦ દિવસ ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આવતો હોવાથી, ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા વધારવાની અનેક શક્યતાઓ રહેલી છે. સાથે જ દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી પવન ઊર્જામાં પણ ભરપૂર સંભાવનાઓ રહેલી છે. રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી સ્થાપવા માટે ગુજરાત સ્માર્ટ ચોઇસ છે. ભારતની સૌર ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો લગભગ ૫૩ ટકા જેટલો છે.

પીએમ સૂર્ય ઘર મુફ્‌ત બિજલી યોજના હેઠળ, દેશમાં ૩.૫ લાખ ગ્રાહકોએ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, જેમાં ૫૦ ટકા ઇન્સ્ટોલેશન પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ક્લીન એનર્જી પહેલ માટે ગુજરાતને રૂ. ૪,૪૯૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો ગુજરાતે શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.