અમદાવાદના ધોરણ-૧૦-૧૨ના ૧.૯૧ લાખ વિદ્યાર્થીઓ અને સાબરમતી જેલના ૪૯ કેદીઓ પરીક્ષા આપશે
ફી બાકી હોય તો પણ સ્કૂલો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં
અમદાવાદ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના ૧.૯૧ લાખ વિદ્યાર્થીઓ ૬૩૪ સ્કૂલમાંથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી પરીક્ષા અંગેનો એક્શન પ્લાન જાહેર કર્યાે છે. ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હાલે ટિકીટ સ્કૂલો બાકી ફી મુદ્દે અટકાવી શકશે નહીં. કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તેવા કિસ્સામાં સ્કૂલ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં. જાે કોઈ સ્કૂલ આ રીતે હોલ ટિકિટ અટકાવશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. સાબરમતી જેલના ૪૯ કેદીઓ પણ પરીક્ષા આપશે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભરત વઢેરે એક્શન પ્લાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરના ૧.૦૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધો.૧૦ના ૬૧ હજાર, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૮ હજાર વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સાયન્સમાં ૯ હજાર જેટલા વિદ્યાર્થી છે.
આમ, ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે કુલ ૩૭૦ પરીક્ષા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૮૨ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધો.૧૦માં ૪૭ હજાર, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૮ હજાર અને ધો.૧૨માં સાયન્સમાં ૬ હજાર વિદ્યાર્થી નોંધાયા છે. ગ્રામ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ના ૨૬૪ પરીક્ષા કેન્દ્રો છે. વિદ્યાર્થી પરીક્ષાના દિવસે હોલ ટિકિટ ભુલી જાય તો પણ પરીક્ષાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં દરેક સ્કૂલોને હોલ ટિકિટનો એક સેટ ઝેરોક્ષી કરી મુકી રાખવાની સુચના અપાઈ છે. જાે, પરીક્ષાના દિવસે વિદ્યાર્થી હોલ ટિકિટ ભુલી ગયો હશે તો કેન્દ્ર નિયામક દ્વારા જે તે સ્કૂલના આચાર્ય સાથે વાત કરી તે વિદ્યાર્થીની હોલ ટિકિટ વોટ્સએપ પર મંગાવી લેશે અને તેના આધારે વિદ્ર્થીને પરીક્ષા આપવા દેવાશે.
બોર્ડની પરીક્ષા વખતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓની તબીયત બગડે તે સ્થિતિમાં આરોગ્ય સ્ટાફ નજીકમાં જ તૈનાત હોઈ વિદ્યાર્થીઓને મદદ મળશે. આ માટે હેલ્થ વિભાગને પત્ર પાઠવવામાં આવ્યો છે. જે મુજબ નજીકના બે કે ત્રણ સેન્ટર વચ્ચે આરોગ્ય સ્ટાફ રાખવામાં આવશે. જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓ તાત્કાલિક વિદ્યાર્થીની મદદ આવી જશે.