૧૭ નગરપાલિકા અને ૭ મનપા માટે ૧ હજાર કરોડ મંજૂર કરાયા
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ, ૩ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત ૧૭ નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. ૧૦૦૦.૮૬ કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.
ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલોપમેન્ટને પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગને કારણે વધી રહેલા શહેરીકરણ અને શહેરોમાં ઉત્તરોત્તર વધતી જન સંખ્યાની સુવિધા સુખાકારી માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ યોજનાની સફળતાને પગલે ૨૦૨૬-૨૭ સુધી તેને ચાલુ રાખી છે.
મુખ્યમંત્રીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત આ ૧૦૦૦.૮૬ કરોડ રૂપિયાના બહુવિધ કામો માટે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૧૪૧.૩૭ કરોડ રૂપિયા મંજૂર થયા છે
તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે ૭ કરોડ ૭૫ લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે ૪.૪૬ કરોડ, ડભોઇ માટે ૧.૭૫ કરોડ તેમજ ૩ મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. ૨૫ કરોડ, જામનગરને રૂ. ૪૭.૫૩ કરોડ તથા ભાવનગરને રૂ. ૫૪.૮૮ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં ૭૦ઃ૨૦ઃ૧૦ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૧.૬૦ કરોડ ઉપરાંત ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓ ધાનેરા, વિરમગામ, દ્વારકા, આણંદ, કડી, નડિયાદ અને માણસા માટે કુલ ૩૪.૭૮ કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રએ આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને ૧૪૮.૧૧ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.