અમદાવાદના આ વિસ્તારમાંથી ૧૦ બોગસ તબીબો ઝડપાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો ઝડપાયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં ૧૦ જેટલા બોગસ ડૉક્ટરો ઝડપી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
લાંભાના રંગોલીનગર, હાઈફાઈ ચાર રસ્તા, લક્ષ્મીનગર જેવા વિસ્તારમાં ડીગ્રી વગર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો મળી હતી. જેના આધારે ચેકિંગ કરવામાં આવતાં આ ગેરરીતિ બહાર આવી છે.
દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિપક ત્રિવેદી અને ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેજસ શાહે આ મામલે જણાવ્યું હતું કે, ઝોનના લાંભા વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતિય અને ગરીબ વર્ગના લોકો રહે છે. જેનો લાભ લઇ કેટલાક લોકો બોગસ ડીગ્રી લઈ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા.
તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. આ મુજબની ફરિયાદ મળી હતી . જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘ્વારા અલગ અલગ ટીમો બનાવી
અને રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલ, હાઇફાઇ ચાર રરતા સહિતના વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરો અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ જેટલા ડોક્ટરો બોગસ પ્રેક્ટિસ કરતા મળી આવ્યા હતા.
ડોક્ટરો પાસે તપાસ કરતા તેમની પાસે જે નિયત ડિગ્રી હોવી જાેઈએ તે ડીગ્રી મળી આવી ન હતી. તેથી હાલમાં નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
આવા બોગસ ડોક્ટરો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને હજી પણ આ વિસ્તારમાં કેટલાક બોગસ ડોક્ટરો હોવાનું શંકા છે. જેથી હજુ ચેકિંગ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.