માત્ર 10 મીનીટમાં ફૂડની ડીલીવરી -ક્યાંક રોગોને તો આમંત્રણ આપી નથી રહયા ને?
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બિનઆરોગ્યપ્રદ: પંજાબી સબ્જીની ગ્રેવી, ભાત, લોટ તેમજ મોટા ભાગની આઈટમો પહેલેથી તૈયાર હોય છે
લાંબાગાળે કેન્સર- હદય સંબંધી બિમારી તથા ડાયાબિટીસ થવાની વધતી શક્યતાઓ, તબીબોની લોકોને ચેતવણી
માત્ર ૧૦ મીનીટમાં તૈયાર ખાવાની સાથે ડીલીવરી, ગૃહિણીઓને પૂછો.. ખાવાનું બનાવતા કેટલો સમય જાય છે
(પ્રતિનિધિ) અમદાવાદ, શું તમે ફૂડલવર છો ? માત્ર ૧૦ મીનીટમાં તમને ખાવાનું પહોંચાડવામાં આવે તેવા પ્રકારનું ખાવાનું ખાવાના શોખીન છો ? તો ચેતી જજો, માત્ર ૧૦ મિનિટમાં ફૂડ સપ્લાય કરતી કંપનીઓ તમને જે ખાવાનું પહોંચાડે છે તે હેલ્ધી હોય છે ખરૂ ?
શું માત્ર ૧૦ મીનીટમાં ખાવાનું તૈયાર થઈને પહોંચી શકે ? આ પ્રશ્નો અમે નહી ડોકટરો તબીબો ઉઠાવી રહયાછે માત્ર ૧૦ મીનીટમાં ફૂડની ડીલીવરી કરનારાઓ તમારા સ્વાસ્થ્ય સાથે લાંબાગાળાના ખતરનાક ચેંડા કરી રહયા છે.
આ પ્રકારના બિન આરોગ્યપ્રદ ખોરાકને કારણે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે તેવા તારણો પર તબીબો આવ્યા છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ હોય છે જેને કારણે કેન્સરનું જોખમ ૧ર ટકા વધી શકે છે જયારે હર્દયરોગનું જોખમ ૧૦ ટકા વધી શકે છે તદઉપરાંત ડાયાબિટીસ- સુગર લેવલ વધી શકે છે કારણ કે ખૂબ જ ઝડપથી તૈયાર કરાયેલ ખોરાકમાં જરૂરી ન્યુટ્રીશિયન હોતુ નથી.
મતલબ એ કે આ પ્રકારનો ખોરાક ખાવાથી પોષકતત્વ મળતું નથી કારણ કે ફૂડ કૂક કરવા ત્રણ-ચાર મીનીટથી ઓછો સમય લેવાતો હોય છે. માત્ર ૧૦ મીનીટમાં ફૂડ તૈયાર થઈને તેની ડીલીવરી કરવી લગભગ અશક્ય છે. આ વાત ભારતની ગૃહિણીઓને પૂછવામાં આવે તો ખબર પડે કે ખાવાનું બનાવતા કેટલો સમય જાય છે. આ પ્રકારે માત્ર ૧૦ મિનિટમાં જે ખાવાનું પહોચાડાય છે તે રેડી- ટુ ઈટ અલ્ટ્રાપ્રોસેસ્ડ હોય છે
મોટેભાગે તૈયાર ભોજન હોય તો જ આ વાત શકય બની શકે છે. સ્પીડ ફર્સ્ટના અભિગમને લઈને ચાલતી ફૂડ ડીલીવર કરતી કંપનીઓ લોકોના આરોગ્યની કોઈ દરકાર કરતી નથી તેમનું કામ તો ૧૦ મીનીટમાં ફૂડની ડિલીવરી કરવાનું હોય છે પરંતુ ભારતના જાગૃત તબીબોએ આ પ્રકારને અનહેલ્ધી ખોરાક ખાવા સામે લોકોને લાબત્તી ધરી છે. ખાવાના શોખીનો તેમના આરોગ્યને ભૂલી જાય છે.
માત્ર ટેસ્ટ મેળવવા અને ઝડપથી ખાવાનું મળે તેની લ્હાયમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાય છે. પછી લાંબાગાળે ભયંકર રોગોને આમંત્રણ આપે છે આજકાલ તો આમેય ખાવાનામાં કીડા-મંકોડા કે વંદા નીકળતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. લોકો ઘરનું ખાવાનું ભૂલી રહયા છે બહારનું ખાવાનું ગમવા લાગ્યુ છે તેને કારણે જ ભારતમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહયું છે. યુવાનોને એટેક આવી રહયા છે બાળકો સ્થૂળતાની સાથે ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે.
બ્લડ પ્રેશરના દર્દી વધ્યા છે. ટૂંકમાં અનહેલ્ધી જંકફ્રૂડના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે છતાં લોકો સમયસર જાગૃત થતા નથી. તબીબો તો વારંવાર નાગરિકોને ચેતવે છે પરંતુ જીભના ચટાકા આપને હોય ત્યાં ડોકટર પણ શું કરે ?