અમદાવાદમાં કોલેરાના 10 અને કમળાના 190 નવા કેસ નોંધાયા
કોલેરા-કમળાનો કહેર-પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલ્ટી, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગચાળાએ માઝા મુકી છે. ચાલુ વર્ષના પ્રથમ પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત જીવલેણ માનવામાં આવતા ડેન્ગયૂના કેસ પણ સતત વધી રહયા છે જેના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી અને કોલેરાના કેસ સતત વધી રહયા છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ૧૮ દિવસમાં ઝાડા-ઉલ્ટીના ૩૧ર, કોલેરાના ૩, કમળાના ૭૯, અને ટાઈફોઈડના ૧પ૦ નવા કેસ નોંધાયા છે. ફેબ્રુઆરી મહિનામાં દાણીલીમડા, અમરાઈવાડી, રામોલ-હાથીજણમાં કોલેરાના એક-એક કેસ કન્ફર્મ થયા છે. આમ ર૦ર૪માં કોલેરાના ૧૦ કેસ નોંધાયા છે. ર૦ર૩માં કોલેરાના કુલ ૯પ કેસ હતા જયારે ર૦રરમાં ૩પ કેસ હતાં.
શહેરમાં કોલેરા અને ઝાડા-ઉલટીની સાથે સાથે ટાઈફોઈડ અને કમળાએ આંતક મચાવ્યો છે. ચાલુ વર્ષ દરમિયાના કમળાના ૧૯૦ અને ટાઈફોઈડના ૩પ૩ કેસ નોંધાયા છે. સામાન્ય રીતે ગરમી અને ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધતા હોય છે પરંતુ આ વખતે શિયાળામાં પણ કોલેરા અને કમળાના કેસ વધી રહયા છે તે બાબત ચિંતાનો વિષય બન્યો છે. પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા કલોરિન ટેસ્ટ કરવામાં આવી રહયા છે.
ચાલુ વર્ષ દરમિયાન કુલ ર૩૦૮૧ કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૪૯૬ સ્થળોએ કલોરિનનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ૮૦ સેમ્પલ અનફિટ જાહેર થયા હતાં. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો થોડા ઘણા અંશે નિયંત્રણમાં છે પરંતુ ડેન્ગ્યૂના કેસ સતત વધી રહયા છે. ફેબ્રુઆરી મહિનામાં ડેન્ગયૂના ર૪ કેસ કન્ફર્મ થયા છે જયારે ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના ૭૧ કેસ નોંધાયા છે. શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યૂના વધારે કેસ નોંધાયા છે.
પૂર્વ ઝોનમાં ર૦ અને દક્ષિણ ઝોનમાં ર૯ કેસ કન્ફર્મ થયા છે. દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ૧૩, લાંભા-૦૬, વટવા-૦૪ કેસ નોંધાયા છે જયારે પૂર્વ ઝોનના અમરાઈવાડી, વિરાટનગર અને રામોલ-હાથીજણમાં ૪-૪ કેસ કન્ફર્મ થયા છે.