નિકોલમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારીઓ પર ૧૦ લોકોનો પથ્થરમારો

અમદાવાદ, નિકોલ ગામ રોડ પર કોઠિયા હોસ્પિટલ પાસે ફેરિયાઓ ટ્રાફિક અડચણ થાય તે રીતે રસ્તામાં કેરીઓના કેરેટ મૂકીને વેચાણ કરતા હતા. એએમસીની ટીમ દબાણ હટાવવા ગઇ હતી ત્યારે ૧૦થી વધુ વ્યક્તિના ટોળાએ એએમસી કર્મીઓ સાથે માથાકૂટ કરીને કર્મીઓ અને સરકારી ગાડી પર પથ્થરમારો કર્યાે હતો, જેમાં પાંચ એએમસી કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
આ અંગે એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે ૧૦થી વધુ લોકો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચથી વધુ આરોપીની ધરપકડ કરી છે.
ચાંદખેડામાં રહેતા પાર્થભાઇ વાળા એએમસીમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. ગત ૧૭મે એ બપોરના સમયે તેઓ સ્ટાફના કર્મીઓ સાથે દબાણ હટાવવાની કામગીરી કરવા નીકળ્યા હતા. ત્યારે સાંજના સમયે તેઓ ઉત્તમનગર પાસે કોઠિયા હોસ્પિટલ પાસે પહોંચ્યા તે સમયે કેટલાક લોકો કેરીઓના કેરેટ મૂકીને વેચાણ કરતા હતા.
જેનાથી ટ્રાફિકને અડચણ થતી હતી. જેથી એએમસી કર્મીઓ ત્યાં દબાણ હટાવવા કેરીઓના કેરેટ દબાણની ગાડીમાં મૂકતા હતા. આ દરમિયાન એક શખ્સ આવ્યો હતો અને કર્મીઓને ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. બાદમાં દબાણની ગાડીમાં મૂકેલ કેરેટ નીચે ઉતારવા લાગ્યો હતો. જેથી કર્મીઓએ તેને નીચે ઉતાર્યાે હતો.
જેથી શખ્સે બૂમાબૂમ કરતા ૧૦થી વધુ વ્યક્તિઓનું ટોળું એકઠું થઇને એએમસી કર્મચારીઓ અને સરકારી ગાડીઓ પર પથ્થરમારો કર્યાે હતો. જેને પગલે કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તમામ ત્યાંથી નાસી ગયા હતા. પાંચ એએમસી કર્મીને સામાન્ય ઇજા થતા સારવારઅર્થે લઇ જવામાં આવ્યા હતા.
આ અંગે સબ ઇન્સ્પેક્ટર પાર્થભાઇએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચથી વધુ આરોપીની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.SS1MS