રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ અમદાવાદમાં 36 હજારમાંથી 10 હજાર ફોર્મ રિજેક્ટ
(એજન્સી)અમદાવાદ, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યભરમાં ગત ૧૪ માર્ચથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જોકે આવકના દાખલાની માથાકૂટને લઈને આ ફોર્મ ભરવાની તારીખ ૩૦ માર્ચ સુધી લંબાવવામાં આવી હતી. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩૬ હજાર ફોર્મ ભરાયા છે, જેમાંથી ૧૦ હજાર ફોર્મ રિજેક્ટ થયા છે.
ત્યારે આ રિજેક્ટ થયેલા ફોર્મને સુધારણાની તક ત્રણ દિવસ માટે આપવામાં આવી છે. બીજી તરફ શાળા સંચાલક મંડળે રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત સીટો વધારવાની માંગ કરી છે. રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં જ ૩૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.
૩૦ મી માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, જેમાં ૩૬૦૪૨ વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. આ ફોર્મની સ્ક્‰ટીની થયા બાદ ૨૫૮૦૦ વિદ્યાર્થીઓના ફોર્મ એપ્›વ કરવામાં આવ્યા છે, જ્યારે ૧૦,૦૬૦ વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓના આ ફોર્મ રિજેક્ટ થયા છે, તેમને સુધારણા કરવા માટે ૩ દિવસ આપવામા આવ્યા છે.
એટલે કે વાલીઓ તેમના ખુટતા ડોક્યુમેન્ટ આગામી ૩જી એપ્રીલ સુધીમાં અપલોડ કરી ફોર્મ સુધારી શકે છે. બીજી તરફ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા સરકારમાં સીટો વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે, ધોરણ ૧માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ઉંમર ૬ વર્ષની કરવામાં આવતા ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યમાં મોટો ઘટાડો નોંધાયો છે.
જેને લઈને આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન ની બેઠકો ૫૦ ટકા જેટલી ઘટી છે. જે મુજબ આ વર્ષે ૨૦૨૪-૨૫ માટે માત્ર ૪૩૮૯૬ જેટલી જ બેઠકો છે. જેની સામે ગત વર્ષે ૮૩ હજાર જેટલી બેઠકો હતી. રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશના હાલના નિયમ મુજબ ધોરણ ૧ ની વર્ગ દીઠ કુલ મંજુર જગ્યામાં ગત વર્ષે જે રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રવેશ થયા હોય તેને બાદ કરતાં જેટલી બેઠકો રહે તેના ૨૫ ટકા મુજબ બીજા વર્ષે પ્રવેશ અપાય છે.