100 કરોડના ખર્ચે અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરી બનશે
અમદાવાદ, અમદાવાદ પોલીસ હવે હાઈટેક બનવા તરફ આગળ વધી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ ગુજરાત પોલીસમાં વધ્યો છે. એની સાથે હવે વિશ્વકક્ષાના પોલીસ કન્ટ્રોલ રૂમ અને તમામ સુવિધાઓથી સજ્જ અંદાજિત 100 કરોડના ખર્ચે અમદાવાદની પોલીસ કમિશનર કચેરી આગામી મહિનાઓમાં કાર્યરત થઈ જશે.
આ અતિઆધુનિક બિલ્ડિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. અહીં એકસાથે 3 હજારથી વધુ કાર પાર્કિંગ થઈ શકશે. એ ઉપરાંત વર્લ્ડ ક્લાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાશે.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં આગામી ત્રણ મહિનામાં પોલીસ કમિશનર કચેરીનું નવું મકાન કાર્યરત થઈ જશે, એમ માનવામાં આવી રહ્યું છે.
આ પોલીસ કમિશનર કચેરી વિશ્વસ્તરના આર્કિટેક્ટોની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. હાલ આ પોલીસ કમિશનર કચેરી બનાવવા પાછળ 100 કરોડનો અંદાજિત ખર્ચ આંકવામાં આવ્યો છે
. આ પોલીસ કમિશનર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ સામાન્ય લોકોની કામગીરી માટે હશે, જેમાં પાસપોર્ટ મંજૂરી મેળવવા માટેની કચેરી તેમજ બીજી પ્રજા ઉપયોગી કચેરીઓ શરૂ કરાશે. આ સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે.
નવી બનનારી પોલીસ કમિશનર કચેરીમાં પાંચ કોન્ફરન્સ રૂમ તેમજ 5 ઓડિટોરિયમ, જેસીપી હેડક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની નવી બનનારા બિલ્ડિંગમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.
ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. આ પોલીસ કમિશનર કચેરીમાં અમદાવાદનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ-ગુજકોપ માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ સમગ્ર બિલ્ડિંગનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ થવાનું છે, જેમાં 3000 કારનું બેઝમેન્ટ પાર્કિંગ પણ હશે, જેમાં લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યોરિટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલ રૂમ, સીસીટીવીની સુવિધા હશે.
અહીં મુકાનારા સીસીટીવી કેમેરા ઉત્તમ દરજ્જાના હશે, જેનાથી આખું બિલ્ડિંગ કવર થશે. આ બિલ્ડિંગને ગ્રીન ગોલ્ડન રેટિંગ આપવામાં આવશે, જેમાં ટેરેસ ગાર્ડન પણ સામેલ છે. આ હાઇરાઇસ બિલ્ડિંગમાં ઓર્ગેઇન ગેસ ગ્લાસ રાખવામાં આવશે.
આખા બિલ્ડિંગમાં નેચરલ સ્ટોન નાખવામાં આવશે તેમજ પાવર બેકઅપની વ્યવસ્થા કરાશે. બિલ્ડિંગના ટોપ પર સોલર પેનલ નાખવામાં આવશે.