Western Times News

Gujarati News

રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોમાં એકસાથે 100 ડ્રોન આકાશમાં ઉડાડી લોકોનું મનોરંજન કરાયું

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં ડ્રોનથી માનવીના ઘણા કાર્યો સરળતાથી થઈ શકશે સાથે જ  તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ખેતરોમાં દવાનો છંટકાવ કરવો એટલે કે એક એકર જમીનમાં 10 લિટર સુધી દવાનો છંટકાવ માત્ર ગણતરીની મિનિટોમાં કરી શકાય છે અને ફિલ્મ કે અન્ય કોઈપણ ક્ષેત્રે ડ્રોન આજે આપણે સૌને ઉપયોગી નીવડી રહ્યું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને ડ્રોન ક્ષેત્રે કાર્યરત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, અને આવનારા સમયમાં ડ્રોન ક્ષેત્રે વિદ્યાર્થીઓ જોડાય તેમજ રોજગારીની તકો ઉભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ડ્રોન સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને માટે ડ્રોન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

અંતે મંત્રીશ્રી એ ડ્રોન હરીફાઈમાં ભાગ લેનાર 20થી વધુ ડ્રોન પાયલોટનો શો નિહાળ્યો હતો જેમાં એકસાથે 100 ડ્રોન આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા અને લોકોનું મનોરંજન કરાયું હતું.

ત્યારબાદ મંત્રી શ્રી દ્વારા ડ્રોન શોનાં વિજેતા પાયલોટને એવોર્ડ પણ એનાયત કરાયા હતા. આ સાથે જ મંત્રીશ્રીએ આઇ.આઇ.ટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં ગૂજસેઇલના CEO શ્રી પારુલ મનસતા, ઇનસાઇડ એફપીવીના કો – ફાઉન્ડર શ્રી પ્રતીક ગુપ્તા, ગુજસેઇલના માર્કેટિંગ હેડ શ્રી અરવિંદ સિંહ તેમજ આઇઆઇટી ગાંધીનગર ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.