Western Times News

Gujarati News

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ૧૦૦થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડયુ

ગેરકાયદે રેતી ખનન કરતાં તત્વો સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહી

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ/ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની સૂચનાના આધારે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી શ્રી ગુરપ્રીતસિંહ દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃતિને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતાં ૧૦૦ થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી મોટી ખનીજ ચોરી અટકાવી છે.

કાંકરેજ તાલુકના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ સાથે મહેસાણા, પાટણ, અમદાવાદ જિલ્લાની તપાસ ટીમો તેમજ ગાંધીનગર ફલાઈગ સ્કવોર્ડ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. જે તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકીંગ કરતાં મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા. જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ કરી હાલ ૧૦૦ જેટલા ડમ્પર અને ટ્રેલરોને સ્થળ પર સીઝ કર્યા છે.

ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસી છૂટયા હતા. જે જપ્ત કરાયેલા વાહનોના વાહન માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીંગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો–૨૦૧૭ના નિયમોનુસાર હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે ડીસા તાલુકાના મહાદેવયાની બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન, વહન કરતાં એક ડમ્પર, એક હિટાચી મશીન તેમજ લોડર મશીન સીઝ કરવામાં આવ્યુ છે.

બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબજ માંગ હોઈ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં સાદી રેતીની ૨૩૪ જેટલી લીઝો આવેલી છે. આ ઉપરાંત પણ કેટલાક ખનિજ માફીયાઓ દવારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીનો મૂકી ખનન કરવામાં આવતુ હોવાની ફરિયાદો જિલ્લા કલેકટરશ્રીને મળતાં કાર્યવાહી કરવામાં આવી છે. જે અન્વયે ભૂસ્તરશાસ્ત્રી દવારા આવા ખનિજ ચોરી કરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરી કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.