Western Times News

Gujarati News

અમદાવાદની પુર્વ અને પશ્વિમ બાજુ 100 ટીપીડી ગાર્ડન વેસ્ટ અને છાણનો પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવામાં આવશે

કોર્પોરેશન ને વાર્ષિક રૂ.૩૦ લાખ રોયલ્ટી મળશે ઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી દૈનિક ધોરણે એકત્ર કરવામાં આવતા વૃક્ષોને ટ્રીમીંગ કર્યા બાદનો ગ્રીન વેસ્ટ અને ઢોરવાડાઓમાં એકત્ર થયેલ છાણ પ્રોસેસીંગ કરવા શહેરની પુર્વ અને પશ્ચિમ બાજુ માટે ૧૦૦ મે.ટન કેપેસીટીનો એક એમ કુલ ૨ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી કામગીરી કરવામાં આવશે. આ કામગીરી અંગેનો ખર્ચ સો.વે.મે વિભાગને મળેલ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.

સદર ટેન્ડરમાં પ્લાન્ટની ૫૦% કેપીટલ કોસ્ટ કોર્પોરેશનને મળેલ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ફાળવવાની થાય જયારે ૫૦% કેપીટલ કોસ્ટ જે તે એજન્સીએ ભોગવવાની રહેશે. જેની સામે એજન્સી વિના મુલ્યે વેસ્ટને પ્રોસેસીંગ કરશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ કાર્યરત થયે બાદ આ પ્રકારનાં વેસ્ટનાં પ્રોસેસીંગ અંગેનાં ખર્ચમાં થનાર બચત તથા એજન્સી દ્વારા મળી રહેનાર રોયલ્ટી રકમને ધ્યાને લેતા અંદાજે ૬ વર્ષમાં પ્લાન્ટ માટે આપવામાં આવનાર કેપીટલ ખર્ચ માટે પે બેક મળી રહેશે.

ત્યારબાદ પ્રોસેસીંગ ખર્ચ માટે થનાર બચત તથા એજન્સી દ્વારા ચુકવવામાં આવનાર રોયલ્ટી રકમનો ફાયદો તંત્રને થશે. એક પ્રોસેસીંગ પ્લાન્ટમાં દૈનિક ધોરણે ૧૦૦ મે.ટન ગાર્ડન વેસ્ટ અને છાણનો નિકાલ કરવામાં આવશે. આ પ્રોસેસીંગ પ્લાન્ટમાં બાયોમાસ શ્રેડર, બાયોમાસ પલ્વરાઇઝર તથા બ્લેન્ડર તેમજ બ્રિકેટ વિગેરે મશીનરી બંને પ્લાન્ટ ખાતે મુકવામાં આવશે.

હાલમાં, જુદા જુદા ઝોનમાં એકત્ર થયેલ વૃક્ષોને ટ્રીમીંગ કર્યા બાદનો ગ્રીન વેસ્ટ અને ઢોરવાડાઓમાં એકત્ર થયેલ છાણને પણ પ્રોસેસીંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે જેમાં દૈનિક ૧૦૦ મે.ટન ગાર્ડન અને છાણમાંથી અંદાજે ૪૨ ટન બાયો કોલ / બાયો કેક પ્રતિ પ્લાન્ટ બનાવવામાં આવશે જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીનાં બોઈલરોમાં ફયુઅલ તરીકે કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાન્ટ માટે ૫૦% કેપીટલ કોસ્ટ અંદાજે ૧૧.૭૫ કરોડ પ્રતિ પ્લાન્ટ આપવામાં આવશે એજન્સી દ્વારા અ.મ્યુ.કો. નાં વેસ્ટને વિનામુલ્યે પ્રોસેસ કરી પ્રોડક્ટ બનાવવામાં આવશે તથા પ્રોડકટનાં વેચાણ સંદર્ભે વાર્ષિક રૂ. ૩૦ લાખની રોયલ્ટી અ.મ્યુ.કો. ને આપવામાં આવશે. વધુમાં, પ્લાન્ટ કાર્યરત થયેથી અ.મ્યુ.કો.ને ગાર્ડન વેસ્ટનાં અંતિમ નિકાલ માટે જે પ્રોસેસીંગ કોસ્ટ થાય તે પણ એજન્સી દ્વારા વિનામુલ્યે કરવામાં આવશે.

તેથી દૈનિક ૧૦૦ ટનનાં પ્લાન્ટ દીઠ અંદાજે દૈનિક રૂ. ૫૦,૦૦૦/-જેટલી ખર્ચમાં બચતને ધ્યાને લેતાં વાર્ષિક અંદાજે રૂ.૧૭૫ લાખ જેટલી રકમની બચત પણ પ્રતિ પ્લાન્ટ દીઠ થશે. આ પ્રકારનો પ્લાન્ટ કાર્યરત થયેથી હાલમાં રોડ ઉપરનાં વૃક્ષોને ટ્રીમીંગ કરવામાં આવે ત્યારબાદનો ગ્રીન વેસ્ટ અને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં રહેતાં પશુપાલકોનાં પશુઓનાં છાણનો જેનો હાલમાં નિકાલનો પ્રશ્ન થાય છે તેનું નિરાકરણ પણ આવી શકશે તથા સ્વચ્છ ભારત મીશન અન્વયેનાં રીડયુસ, રિયુઝ અને રીસાયકલનાં સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.