સહકાર વિભાગના સિનિયર ક્લાર્ક સંવર્ગના સીધી ભરતીના ૧૦૧ કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત
સહકારની પ્રવૃત્તિઓને વેગ આપવામાં નવનિયુક્ત કર્મચારીઓનું મહત્વનું યોગદાન રહેશે: સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
આજે ગાંધીનગર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સહકાર વિભાગના સિનિયર ક્લાર્ક સંવર્ગના સીધી ભરતીના ૧૦૧ કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નવી નિમણૂક મેળવનાર સહકાર વિભાગના સિનિયર ક્લાર્ક સંવર્ગના સીધી ભરતીના કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના કુશળ નેતૃત્વમાં દેશમાં આગામી વર્ષમાં સહકાર પ્રવૃત્તિ વ્યાપક બનશે. આ સહકારની પ્રવૃત્તિઓને વેગ આપવામાં નવનિયુક્ત કર્મચારીઓનું મહત્વનું યોગદાન રહેશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ યુગ સહકારીતાનો યુગ છે. જેના પાયામાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા સંકલ્પ મંત્રો રહેલા છે. સહકારથી સમૃદ્ધિની યાત્રામાં આ નવનિયુક્ત કર્મચારીઓ સહભાગી થશે. ઉપસ્થિત તમામ નિમણૂક મેળવનાર કર્મચારીઓ સાથે સહકારીતા વિષયે સંવાદ પણ કર્યો હતો.
સહકાર વિભાગના સચિવ શ્રી કે. એમ.ભીમજીયાનીએ નિમણૂક પામનાર કર્મચારીઓને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સહકાર વિભાગના રજિસ્ટ્રાર શ્રી ડી. એ. શાહ, ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખભાઈ પટેલ સહિત સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને નિમણૂક મેળવનારા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.