Western Times News

Gujarati News

ગુજરાતમાં પ્રથમ CICET (સીઆઈસીઈટી) સ્થપાશે: મનસુખ માંડવીયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લોકોને 2 જી ઓક્ટોબરના રોજ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવાની ઝુંબેશમાં જોડાવા વિનંતી કરી

 પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવાના ઉપાય શોધવા અમદાવાદમાં પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન કેન્દ્ર સ્થાપશે

  • ઓક્ટોબર, 2019 થી ભાવનગરમાં સીપેટ (CIPET) દ્વારા કૌશલ વિકાસ કેન્દ્ર શરૂ કરાશે
  • વલસાડમાં ટૂંક સમયમાં CIPET નું પ્રશિક્ષણ કેન્દ્ર શરુ કરાશે
  • સીપેટ (CIPET)ના નેજા હેઠળ સાણંદમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે

અમદાવાદ, કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ અમદાવાદમાં આજે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) માં 31 કરોડના ખર્ચે નવ નિર્મિત છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. આ છાત્રાલયમાં 150 છોકરીઓ અને 575 છોકરાઓ માટે રહેવાની સુવિધા આપવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે પ્લાસ્ટિક એ આપણા રોજીંદી જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે પરંતુ તે વધતા પ્રદૂષણના મુખ્ય કારણોમાંનું એક છે. આમ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીના ક્ષેત્રે  સંશોધન એ સમયની જરૂરિયાત છે. તેમણે પ્લાસ્ટિક એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સીપેટ જેવી સંસ્થાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ વલસાડમાં રૂ. 54 કરોડના ખર્ચે સીપેટ તાલીમ સંસ્થા સ્થાપવાની જાહેરાત કરી હતી જેનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓને મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાવનગરમાં આ ઓક્ટોબરથી એક કૌશલ વિકાસ કેન્દ્ર કાર્યરત થશે. તેમણે ઉમેર્યુ હતું કે સીપેટ ખૂબ જ ટૂંક સમયમાં સાણંદમાં પણ ડિપ્લોમા કોર્સ શરૂ કરશે.

પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણને ટાંકતા મંત્રીએ કહ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હું પ્રધાનમંત્રી વતી લોકોને વિનંતી કરું છું કે 2જી ઓક્ટોબરના રોજ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાના આંદોલનમાં જોડાઓ.”

ગુજરાતને કેમિકલ ઉદ્યોગનું કેન્દ્ર ગણાવતા શ્રી મનસુખ માંડિઆએ જણાવ્યું હતું કે વાપી, અંકલેશ્વર અને વટવામાં કેમિકલ ઉદ્યોગની નોંધપાત્ર હાજરી છે. તેમણે કહ્યું કે સરકાર કેમિકલ ઉદ્યોગને ફાયદો પહોંચાડવા માટે સીપેટની જેમ જ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીસેટ- CICET) સ્થાપવાની યોજના બનાવી રહી છે. “ગુજરાતને દેશની પહેલી સીસેટ મળશે, જે વટવા કે સુરતમાં સ્થાપિત થશે. સીસેટ સંશોધન અને નવીનતાઓ દ્વારા રાસાયણિક ઉદ્યોગને મદદ કરશે.” એમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્લાસ્ટિકના કારણે વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતાં શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થિત રીતે વર્ગીકરણ અને રિસાયક્લિંગના ઉકેલો શોધવા માટે સરકાર અમદાવાદમાં પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન કેન્દ્ર સ્થાપવાની યોજના બનાવી રહી છે.

શ્રીમતી બિજલ પટેલ, મેયર, અમદાવાદ, પ્રો.ડો.એસ.કે. નાયક, ડાયરેક્ટર જનરલ, સીપેટ અને અન્ય કેન્દ્ર અને રાજ્ય સરકારના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.