૧૦,૩૮,૩૨૯ મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જાેડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨એ ઉદ્ઘાટન કરાયું હતું. અટલબ્રિજને તેના ઉદ્ઘાટન બાદ બે દિવસ માટે લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જાેકે તે દરમિયાન પાન-મસાલાના અનેક વ્યસનીઓએ ઠેરઠેર પિચકારી મારીને અટલબ્રિજની નયનરમ્યતાને ડાઘ લગાડતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ૩૧ ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે એટલે અટલબ્રિજની લટાર મારવા માટે હવે પુખ્ત વયના લોકો માટે રૂ. ૩૦ અને ૧૨ વર્ષથી વધુ વયનાં બાળકો માટે રૂ. ૧૫ એન્ટ્રી ફી રખાઈ છે. તમામ મુલાકાતીઓને અટલબ્રિજ માટે તંત્ર દ્વારા ૩૦ મિનિટ ફાળવાઈ છે, તેમ છતાં આ અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે.
એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે અત્યાર સુધીમાં અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજાેરીમાં રૂ. ૩.૧૦ કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. ૭૪ કરોડના ખર્ચે આઇકોનિક અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ડિઝાઇનમાં ગુજરાતના પતંગોત્સવને સાંકળી લેવાયો છે. દેશમાં પ્રથમ એવા આ ફૂટઓવરબ્રિજનું વજન ૨૧૦૦ ટન છે અને તેમાં આરસીસીનું ફ્લોરિંગ હોઈ સ્ટેનલેસ સ્ટીલ તેમજ ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. અટલબ્રિજની એન્ટ્રી ફી રૂ. ૩૦ હોવા છતાં અમદાવાદીઓએ તેને પહેલા દિવસથી એટલે કે ૩૧ ઓગસ્ટથી ઊમળકાથી વધાવી લીધો છે.
તે દિવસે ૧૭,૬૨૯ મુલાકાતીઓ અટલબ્રિજ નિહાળવા આવ્યા હતા. અમદાવાદીઓએ અટલબ્રિજને ભારે આવકાર આપ્યો હોઈ મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા તેને એક પણ દિવસ મેન્ટેનન્સ માટે બંધ રખાતો નથી. ૩૦૦ મીટર લાંબો અટલબ્રિજ સવારના નવથી રાતના નવ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રખાય છે, જાેકે રાતના ૮.૩૦ વાગ્યાથી તંત્ર દ્વારા મુલાકાતીઓને પ્રવેશ અપાતો નથી.
તંત્ર દ્વારા અટલબ્રિજ અને ફ્લાવરપાર્ક એમ બંને જગ્યાની મુલાકાત લેવા માગતા હોય તેવા પુખ્ત વયના લોકો માટે રૂ. ૪૦ અને બાળકો તેમજ ૬૦થી વધુ વયના વૃદ્ધો માટે રૂ. ૨૦ની કોમ્બો ટિકિટ રખાઈ હોવાથી પણ અમદાવાદીઓમાં અટલબ્રિજ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. દિવ્યાંગોને તો મફતમાં પ્રવેશ અપાઈ રહ્યો હોઈ અનેક દિવ્યાંગો અટલબ્રિજની સહેલ માણવા આવી રહ્યા છે.
અમદાવાદીઓમાં અટલબ્રિજે ઘેલું લગાડ્યું હોવાની સાબિતી તંત્ર દ્વારા મુલાકાતીઓના અપાયેલા સત્તાવાર આંકડા પૂરી પાડે છે. ૩૧ ઓગસ્ટથી ૨૭ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ કુલ ૧૦,૩૮,૩૨૯ મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે. આટલી જબ્બર સંખ્યામાં મુલાકાતીઓ નોંધાતાં મ્યુનિ. તિજાેરીને પણ રૂ. ૩,૧૦,૯૭,૬૮૫ની મબલક આવક થઈ છે. આવકના આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે અટલબ્રિજ મ્યુનિ. કોર્પોરેશનનો કમાઉ દીકરો બન્યો છે.
ચાલુ નવેમ્બર મહિનાના છેલ્લા ૨૭ દિવસની આવકના આંકડાને તપાસતાં તંત્રને કુલ રૂ. ૮૯,૭૬,૨૮૦ની જંગી આવક થઈ છે. દિવાળીના તહેવારો પતી ગયા બાદ પણ ત્રણ લાખથી વધુ એટલે કે ૩,૦૧,૫૨૮ મુલાકાતીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી છે. આ મહિનામાં ૬ નવેમ્બરે સૌથી વધુ ૨૫,૬૯૪ મુલાકાતીઓ નોંધાતાં તંત્રને સૌથી વધુ રૂ. ૭,૫૨,૯૭૫ની આવક થઈ હતી, જ્યારે આવકની દૃષ્ટિએ તા. ૧૬ નવેમ્બર નબળી પુરવાર થઈ હતી. તે દિવસે માંડ ૫૨૦૬ મુલાકાતીઓ આવતાં તંત્રને ફક્ત રૂ. ૧,૫૮,૬૨૫ની આવક થઈ હતી, જાેકે નવેમ્બર મહિનાના કુલ ૨૭ દિવસ પૈકી ૧૨ દિવસમાં ૧૦ હજારથી વધુ મુલાકાતીઓ તંત્રના ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવારો હોઈ અટલબ્રિજના મુલાકાતીઓની સંખ્યામાં નવો રેકોર્ડ નોંધાયો હતો. તે મહિનાની ૨૮મી તારીખે તો અધધ એટલે કે ૩૯,૦૭૦ મુલાકાતીઓ ઊમટ્યા હતા અને તંત્રને રૂ. ૧૨.૦૯ લાખથી વધુ આવક થઈ હતી. સમગ્ર ઓક્ટોબર મહિનામાં કુલ ૪,૦૩,૬૬૫ મુલાકાતીઓથી તંત્રને કુલ રૂ. ૧,૨૨,૬૮,૧૬૫ની જંગી આવક થઈ હતી.