નરેશ પટેલના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પમાં 10570 રક્તદાતાઓએ રક્તદાન કર્યું
હજારો રક્તદાતાઓએ રક્તદાન કરીને સેવાયજ્ઞમાં આહૂતિ આપી-જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં શ્રી નરેશભાઈ પટેલ
50થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, બટુક ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકીય
રાજકોટઃ વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા અને જેમની 215થી વધુ વખત રક્તતુલા થઈ છે તેવા શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો..
11 જુલાઈના રોજ પોતાના 57 વર્ષ પૂર્ણ કરીને 58મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધો-અનાથ બાળકોને ભોજન, સર્વ રોગ નિદાન કેમ્પ, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકાર્યો કરીને ઉજવવામાં આવ્યો હતો. પોતાના જન્મદિવસને સેવામય બનાવવા બદલ શ્રી નરેશભાઈ પટેલે તમામ રક્તદાતાઓ અને શ્રી ખોડલધામ સમિતિઓના કન્વીનરો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
11 જુલાઈના રોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં કુલ 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત,
અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પાટણ, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પોરબંદર, મોરબી, વાપી, નવસારી, ખેડા, કચ્છ સહિતના જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને હજારો રક્તદાતાઓએ રક્તદાન કરતાં 10570 યુનિટ બ્લડ એકત્ર થયું હતું.
તમામ રક્ત વિવિધ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાષ્ટ્રસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના માધ્યમથી જરૂરિતામંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું. શ્રી નરેશભાઈ પટેલે જન્મદિવસ નિમિત્તે મહાદેવને પ્રિય એવા 1111 બીલ્વ વૃક્ષ રોપણ કર્યું
શ્રી નરેશભાઈ પટેલે પોતાના જન્મદિવસે પ્રકૃત્તિ પ્રેમ દર્શાવીને ભગવાન ભોળાનાથની પૂજામાં ઉપયોગમાં લેવાતા એવા બીલીનું રોપણ કર્યું હતું. પડધરી તાલુકાના રંગપર ખાતેના તેઓના ફાર્મ હાઉસ પર સી.એમ. વરસાણી સાહેબની દેખરેખ હેઠળ 1111 બીલીનું રોપણ કરીને બીલીવન ઉભું કરવામાં આવશે. ત્યારે આજે જન્મદિવસ નિમિત્તે શ્રી નરેશભાઈ પટેલે પરિવાર સાથે બીલીનું રોપણ કર્યું હતું.
આ ઉપરાંત શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ, અમદાવાદ, સુરત, બોટાદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 50થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સુરતમાં મજૂરોને ફ્રુટ અને નાસ્તાનું વિતરણ, દર્દીઓને ફ્રુટ વિતરણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, અનાથ આશ્રમ ખાતે બટુક ભોજન, મેંદરડામાં વૃદ્ધા આશ્રમમાં ભોજન કરાવવા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. હિંમતનગર ખાતે રક્તપિતના દર્દીઓ,
માનસિક ક્ષતિ ધરાવતા બાળકો અને નિરાધાર બાળકો માટે સર્વ રોગ નિદાન કેમ્પનું અને ભોજનનું પણ આ તકે આયોજન કરાયું હતું. ગોંડલ મહિલા સમિતિ દ્વારા શ્રી નરેશભાઈ પટેલનો 57મો જન્મદિવસ હોય 57 દિવડાઓ થકી માતાજીની આરતી ઉતારી હતી. આ ઉપરાંત શ્રી નરેશભાઈ પટેલના દીર્ઘાયુ માટે શ્રી ખોડલધામ સમિતિ ભાવનગર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.