Western Times News

Gujarati News

૧૦૮ જીવન રક્ષક સેવાના સેવકોની માનવતા-ઇજાગ્રસ્ત દર્દીને દવાખાનામાં દાખલ કરીને એની પાસેની રોકડ અને મોબાઈલ સાચવીને સ્વજનોને સોંપ્યા

પ્રતિકાત્મક

વડોદરા, નિષ્ઠા અને પ્રામાણિકતા એ જીવન રક્ષક સેવા ૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ના કર્તવ્યનિષ્ઠ સેવકોનો જીવનમંત્ર છે એ વાત એક થી વધુ વાર અગાઉ પુરવાર થઈ ચૂકી છે.

આજે ફરજ સાથે પ્રામાણિકતા ની  ઉજ્જવળ પરંપરા માં વડોદરા ૧૦૮ ના પાઇલોટ ભાવેશ રાઠોડ અને તેમના સાથી ઈ.એમ.ટી. જયેશ મકવાણાએ વધુ એક કડી જોડી હતી. તેમણે એકલવાયા ઇજાગ્રસ્ત દર્દી ને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની સાથે,તેની પાસેની મોટી રોકડ રકમ અને કિંમતી મોબાઈલ સાચવીને,દર્દીના પરિવારજન ને સોંપી હતી અને પોતાની કર્તવ્ય નિષ્ઠા દીપાવી હતી.

મળતી જાણકારી અનુસાર આજે સવારે માંડવી પાસે માર્ગ અકસ્માતમાં શાયરવાલા અમીનભાઈ ઇજાગ્રસ્ત થતાં ૧૦૮ સેવાને કોલ કરવામાં આવ્યો હતો.

આ સેવાનું વાહન શક્ય તેટલી ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને એકલવાયા ઇજાગ્રસ્ત ને લઈને સયાજી હોસ્પિટલ પહોંચ્યું હતું.

આ ઇજાગ્રસ્ત પાસે રૂ.૪૩૩૦૦ રોકડ અને રૂ.૨૦ હજારની કિંમતનો મોબાઈલ હતો જે સલામત રીતે તેના સ્વજનોને સોંપવાની જરૂર હતી.

આ સંજોગોમાં ભાવેશભાઈ અને જયેશભાઈએ તુરત જ તેમના સ્વજન ને શોધીને હોસ્પિટલે બોલાવ્યા હતા.અને તેમની રોકડ અને મોબાઈલ તેમને પરત કરવાની કાળજી લીધી હતી.

૧૦૮ સેવાના કર્મચારીઓની જીવન રક્ષા સાથે ઇજાગ્રસ્ત ની માલમત્તા સાચવીને પરત સોંપવાની પ્રામાણિકતા અને નિષ્ઠા સૌ ને સ્પર્શી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.