11 લાખના મુદ્દામાલ સાથે 7 ઈસમોને દહેજ પોલિસે પકડ્યા
વિલાયતની જ્યુબીલન્ટ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો -દહેજ પોલીસે ૧૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૭ ઈસમોને ઝબ્બે કરી વાગરા પોલીસને સોંપ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.લાખોના મુદ્દામાલ સાથે ૭ આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સિમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમીકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે લોકો ફરે છે.
સદર બાતમી મુજબ મેહાલી સ્કુલની પાછળ રોડ ઉપર એક મારૂતિ સુઝુકી સ્વીફટ ગાડી નંબર જીજે ૧૬ સીએસ ૪૮૩૮ મળી આવેલ હતી.જે ગાડીમાં ચાર ઈસમો તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો.જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજુ કરવા જણાવતાં કોઈ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ નહિ.
ત્યાર બાદ હાજર ઈસમો માંથી સતીષ વસાવા તથા વિશાલ વાસાવા નાઓએ જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબીલન્ટ કંપની માંથી અમો બંન્ને તથા સમીર રાઠોડ તથા અજય દાંડા નાઓએ સાથે મળી કેટાલીસ્ટ પાવડરની ચોરી કરેલ, હતી.જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા
અને બીજો આશરે ચારેક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબુલાત કરી હતી.જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઈસમોને પકડી પાડી
આમ બન્ને જગ્યા ઉપર સદર ઈસમોના કબ્જા માંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૧૧,૮૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બીએનએસની અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોપવામાં આવ્યા હતા.