મહેમદાવાદના નિવૃત્ત શિક્ષક સાથે જમીનની લાલચ આપી 11.95 લાખની ઠગાઈ
નડીયાદ, મહેમદાવાદ તાલુકાના કુણા ગામના એક નિવૃત્ત શિક્ષકને તેમના ભાગીદાર મિત્રોએ રૂ.૧૧.૯પ લાખ લઈને તેમના હિસ્સા નો પ્લોટ આપ્યો ન હતો. શિક્ષક પાસે રોકાણ કરાવીને પ્લોટ પાડી નાણાં કમાવવાના ઈરાદે પૈસા રોક્યા હતા પરંતુ નાણાંના પ્રમાણમાં તેમના હિસ્સાનો પ્લોટ આપવામાં ના આવતા પોલીસ મથકે છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદના નવા કુણા ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષક પ૯ વર્ષીય અરજણભાઈ રામાભાઈ વાઘેલાએ વર્ષ ર૦૧૪માં પોતાના શિક્ષક મિત્ર મહેમદાવાદના મોદજ નવરંગપુરા ગામના મહોબ્બત બુધા ચૌહાણ અને મહેમદાવાદ જય અંબે નગર સોસાયટીમાં રહેતા મિત્ર એવા તલાટી નવદીપ ઉહા ચૌહાણ મહેમદાવાદ જય અંબે નગર સોસાયટીમાં રહેતા
કેયુર ઉદા ચૌહાણ અને મહેમદાવાદના મોદજ ગામે મગનજી ગુલાબજી ફળિયામાં રહેતા અશોક પન્ના અગ્રવાલે ભેગા મળીને મહેમદાવાદના ખાત્રજ ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૧૦૬૧ વાળી કુલ જમીન પૈકી ૧-ર૧-૧પ વાળી બિનખેતી જમીનની ખરીદી હતી. આ સમયે નિવૃત્ત શિક્ષક અરજણભાઈ વાઘેલાએ રૂ.૧૧.૯પ લાખનું રોકાણ કર્યું હતું.
ત્યાર પછી ભાગીદારોએ શ્રીજી ચરણ કન્સ્ટ્રકશન એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢી બનાવી આ જમીનમાં પ્લોટ પાડી વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. દરમિયાન નિવૃત્ત શિક્ષક અરજણભાઈ વાઘેલાનો રોકેલ નાણાં પ્રમાણે ભાગીદારી પેઢીમાં ર.૪૯ ટકા જેટલો હિસ્સો હતો. ભાગીદારી પેઢીનો વહીવટ કરવા માટે કેયુર ચૌહાણને અધિકૃત કરવામાં આવ્યો હતો.
જમીન પર મકાન બનાવવા માટેના પ્લોટ પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાગીદાર એવા નિવૃત્ત શિક્ષક અરજણભાઈ વાઘેલા દ્વારા પોતાના હિસ્સાના પ્લોટની માગણી કરાતા પેઢીનો વહીવટ કરતો કેયુર ચૌહાણ અને અશોક અગ્રવાલ તેમને મોટા પ્લોટ આપવાની વાત કરી વાયદા પર વાયદા કરતા હતા.