ચારધામ યાત્રામાં અત્યાર સુધી ૧૧ શ્રદ્ધાળુઓના મોત
નવી દિલ્હી, દેશની પ્રસિદ્ધ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી – એમ ચારધામ યાત્રાને શરુ થયાને હજુ પાંચ દિવસ જ થયા છે. પરંતુ કેદારનાથના કપાટ ખુલવાની સાથે જ શ્રદ્ધાળુઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. એટલું જ નહીં, હમણાં સુધી ચારધામ યાત્રા માટે ગયેલા ૧૧ લોકોના મોત નીપજ્યા છે.
વહીવટીતંત્રે ભારે ભીડને ધ્યાન રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન બે દિવસ માટે બંધ કરી દીધું છે.૧૫ મેને બુધવારે રજિસ્ટ્રેશન બંધ રહ્યું અને ૧૬ મેએ ઓફલાઈન રજિસ્ટ્રેશ થશે નહીં.ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં કરવામાં આવી રહ્યું છે.
ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, ૧૫મી એપ્રિલથી હમણાં સુધી ૨૬,૭૩,૫૧૯ રજિસ્ટ્રેશન થયા હતા. ગંગોત્રીમાં ૪,૨૧,૩૬૬, યમુનોત્રીમાં ૪,૭૮,૫૭૬ અને હેમકુંડ સાહિબ માટે હમણાં સુધી ૫૯ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે.
૨૦૨૩માં ચારધામ યાત્રા દરમિયાન કુલ ૨૦૦ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ઉતરાખંડ સરકારે જાહેર કરેલાં આંકડા મુજબ કેદારનાથમાં ૯૬, યમુનોત્રીમાં ૩૪, ગંગોત્રીમાં ૨૯, બદ્રીધામમાં ૩૩, હેમકુંડ સાહિબમાં ૭ અને ગૌમુખ ટ્રેકમાં એકનું મોત થયું હતું.SS1MS