ભૂકંપથી પાકિસ્તાનમાં ૧૧ લોકોનાં મોત અને ૧૦૦થી વધુ ઘાયલ
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં મંગળવારની રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૮ હતી અને એના કારણે લોકોમાં ભારે ડર જાેવા મળ્યો હતો. ભૂકંપ આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં હતો. લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર, ઝેલમ, શેખુપુરા, સ્વાતા નૌશેરા, મુલ્તાન, સ્વાત, શાંગલા સહિત વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અનેક મકાનો પણ ઘ્વસ્ત થઈ ગયા હતા. ઊંચી ઊંચી બિલ્ડિંગમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. એ પછી પણ લાંબો સમય સુધી આફ્ટરશોક અનુભવાયા હતા.
યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના જુર્મમાં ૧૮૦ કિમી જમીનની અંદર હતું. ભૂકંપના ઝટકા ભારત, અફઘાનિસ્તાન, કિર્ગિસ્તાન, ઉજ્બેકિસ્તાન, ચીન સહિતના કેટલાંક દેશોમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ૬.૬ની તીવ્રતાવાળો ભૂકંપ રાત્રે ૧૦.૦૭ વાગે આવ્યો હતો.
પાકિસ્તાનની ઈમરજન્સી સેવાઓના એક પ્રવક્તા બિલાલ ફૈજીએ જણાવ્યું કે, ખૈબર પખ્તૂનખાં પ્રાતંમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુ કાદિર પટેલે પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સાથે સાથે ફેડરલ ગર્વમેન્ટ પોલીક્લિનિકમાં એક ઈમરજન્સી અલર્ટ જાહેર કર્યુ છે.
ઘાયલો સુધી સરકારી મદદ પહોંચડવા માટે રાજ્ય સરકારની કેટલીક ટીમો કાર્યરત છે. રાત્રી હોવાના કારણે દૂર દૂરના સ્થળે રાહત ટીમોને પણ પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
સૌથી વધારે નુકસાન પહાડી વિસ્તાર નજીક રહેતા લોકોને થયું છે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને આવી સ્થિતિમાં ભૂકંપથી તબાહ લોકોની મદદ કરવી ખૂબ જ અઘરી છે. ભારતમાં દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં પણ આંચકા અનુભવાયા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને લખ્યું કે, દિલ્હી એનસીઆરમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આશા છે કે તમે બધા સુરક્ષિત હશો.
એક વરિષ્ઠ ભૂકંપ વિજ્ઞાનીએ જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ ભારત અને દિલ્હીમાં લોકોએ લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ઉત્તર ભારતમાં પહેલાં લોકોએ પ્રાથમિક તરંગો અનુભવ્યા હતા અને પછી બીજા તરંગો આવતા પ્રભાવિત થયા હતા.SS1MS