Western Times News

Gujarati News

ડાંગમાં ૧૧ માર્ગો ઉપરથી વરસાદી પાણી ઓસર્યા : ૧૩ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ, ૨૦ ગામો પ્રભાવિત

ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાકમા નોંધાયો માત્ર ૫૨.૨૫ મી.મી. વરસાદ :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા:આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ માત્ર ૫૨.૨૫ મી.મી. જ વરસાદ નોંધાવા પામ્યો છે.

જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન ૪૫ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૬૩૩ મી.મી.), વઘઇનો ૬૭ મી.મી. (કુલ ૧૬૫૯ મી.મી.), સુબિર તાલુકાનો ૩૭ મી.મી. (કુલ ૧૫૩૦ મી.મી.),

અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૬૦ મી.મી. (મોસમનો કુલ ૧૩૯૦ મી.મી.) મળી જિલ્લામા કુલ ૨૦૯ મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૫૨.૨૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૬૨૧૨ મી.મી. એટલે કે સરેરાશ ૧૫૫૩ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.

ગત દિવસો દરમિયાન ડાંગમા પડેલા સાંબેલાધાર વરસદ બાદ હવે અહીં વરસાદનુ પ્રમાણ ઘટવા પામ્યુ છે. ત્યારે અહીંનુ જનજીવન પણ પુનઃ રાબેતા મુજબ ધબકતુ થયુ છે. વરસાદને પગલે તા.૧૫ના રોજ સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ વાહન વ્યવહાર માટે બંધ રહેલા ૨૪ ગ્રામીણ માર્ગો પૈકી, તા.૧૬મી એ સવારે આઠ વાગ્યાની સ્થિતિએ વધુ ૧૧ માર્ગો ઉપરથી પાણી ઓસરતા તે વાહન વ્યવહાર માટે ખુલ્લા થવા પામ્યા છે.

ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના જે ૧૩ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર હજી પણ વરસાદીને કારણે વાહન વ્યવહાર માટે બંધ રહ્યા છે. તેનાથી ૨૦ ગામો અસરગ્રસ્ત રહ્યા છે.

જિલ્લાના જે માર્ગો પ્રભાવિત થયા છે તેમા આહવા તાલુકાના માત્ર બે માર્ગ (૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, અને (૨) ચિકટિયા-ગાઢવી રોડ, ઉપરાંત સુબીર તાલુકાના (૧) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, (૨) શિંગાણા-ધુલદા રોડ, અને (૩) ચીખલી-લવચાલી રોડ,

અને વઘઈ તાલુકાના (૧) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૨) ઘોડવહળ વી.એ.રોડ, (૩) સુસરદા વી.એ.રોડ, (૪) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૫) ઢાઢરા વી.એ.રોડ, (૬) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૭) કાલીબેલ-પાંઢરમાળ-વાંકનરીડ-વાંકનરીડ, અને  (૮) પાતળી-ગોદડીયા રોડ વાહન વ્યવહાર માટે બન્ધ થવા પામ્યા છે.

આ ૧૩ માર્ગો બન્ધ થવાથી ૨૦ ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.