પાક.ના બલૂચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં ૧૧ શ્રમિકોનાં મોત

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે કોલસાની ખાણમાં કામ કરતા ખાણિયાઓને લઈ જઇ રહેલું એક વાહન રોડની બાજુમાં ગોઠવેલા બોમ્બમાં વિસ્ફોટનો શિકાર બન્યું હતું. જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે અને સાત અન્ય લોકો ઘાયલ થયા છે.
ઘાયલોમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.હરનાઇના ડેપ્યુટી કમિશનર હજરત વલી કાકરના કહેવા મુજબ, પ્રાંતના હરનાઇ જિલ્લાના શાહરાગ વિસ્તારમાં એક મિની ટ્રકમાં વિસ્ફોટમાં થયો હતો.
આ ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે, તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે તથા સાત ઘાયલ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ પીડિતો કોલસાની ખાણમાં કામ કરતા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે વિસ્ફોટ રોડની પાસે લગાવેલા એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ(આઈડીપી)ના કારણે થયો છે.
આ દરમિયાન પોલીસ અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનેગારોને પકડવા માટે શોધખોળ અભિયાન શરુ કર્યુ છે. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.SS1MS