વાડીએ થ્રેસરનાં વેક્યુમમાં ખેંચાઈ જતાં 11 વર્ષની બાળકીનું મૃત્યુ
ગોંડલ, ગોંડલના નાગડકા રોડ પર આવેલી સાટોડીયા સોસાયટીમાં રહેતી ૧૧ વર્ષની માસુમ બાળકી પોતાની વાડીએ અકસ્માતે થ્રેશર મશીનમાં ખેંચાઈ જતા કરુણ મૃત્યુ નીપજયું હતું. સત્સંગી પરિવારે બાળકીની બંને આંખનું દાન કર્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની સાટોડિયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ધીરુભાઈ ગઢિયાની પુત્રી હેતવી રવિવારે સાંજે વાડીએ રમતી હતી. રમતા રમતા થ્રેશર પાસે પહોંચતા થ્રેસરના વેકયુમે તેને ખેંચી લીધી હતી જેને કારણે માથામાં ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું. મૃતક હેત્વી ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી તેના માતા શિલ્પાબેન બીએપીએસ ગુરુકુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
માસુમ હેતવીના પરિવારે ચક્ષુદાનની ઈચ્છા વ્યકત કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સામાજિક આગેવાન દિનેશભાઈ માધડે જહાટકિયા આંખની હોસ્પિટલને જાણ કરતા તેના ડોકટરો તરફથી સેવા અપાઈ હતી. ગોંડલ સરકારી હોસ્પિટલથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે ચક્ષુદાન થયેલી આંખો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી.
આમ, ગઢિયા પરિવાર પર આભ ફાટ્યું હોવા છતાં ચક્ષુદાનનો વિચાર કરી એક દાખલો બેસાડયો છે. જીતેન્દ્રભાઈને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો. જેમાં હેતવી ત્રીજા નંબરની દીકરી હતી.