ચીનમાં ભૂકંપના કારણે 111 લોકોનાં મોત નિપજ્યા
ચીનના ગાંસુ-કિંઘાઈ પ્રાંતમાં આવેલા ૬.૨ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ
બેઇજિંગ, ચીનમાં મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપને કારણે એવી તબાહી મચી છે કે ચારેબાજુ મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે. ચીનમાં આજે એટલે કે બુધવારે વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો, જેમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, ઉત્તર-પશ્ચિમ ચીન એટલે કે ચીનના ગાંસુ-કિંઘાઈ પ્રાંતમાં આવેલા ૬.૨ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૧૧૦ને પાર કરી ગયો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ અને ચારેબાજુ લોકો ચીસો પાડવા માંડ્યા હતા. સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે સોમવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં ગાંસુ પ્રાંતમાં ૧૦૦ અને પડોશી કિંઘાઈ પ્રાંતમાં ૧૧ લોકોના મોત થયા છે. સિન્હુઆએ જણાવ્યું કે ભૂકંપમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે,
ગાંસુમાં ૯૬ અને કિંઘાઈમાં ૧૨૪ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ ગાંસુની જિશિશાન કાઉન્ટીમાં, કિંઘાઈ સાથેની પ્રાંતીય સરહદથી લગભગ ૫ કિલોમીટર (૩ માઇલ) દૂર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીનમાં ૬.૮ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા ૭૪ લોકોના મોત થયા હતા. તે ભૂકંપથી ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સિચુઆનને પણ હચમચાવી દેવામાં આવ્યું હતું,
જેના કારણે પ્રાંતીય રાજધાની ચેંગડુમાં ભૂસ્ખલન થયું હતું અને ઇમારતો ધ્રૂજી ઊઠી હતી. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે ચીનની ૨૧ મિલિયન વસ્તી કોરોનાને કારણે લોકડાઉન હેઠળ છે. જોકે, યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા ૫.૯ દર્શાવી છે. જ્યારે ચીની સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે આ મજબૂત ભૂકંપના કારણે પાણી અને પાવર લાઇન તેમજ પરિવહન અને સંચાર માળખાને પણ નુકસાન થયું છે. રાજધાની બેઇજિંગના દક્ષિણપશ્ચિમમાં લગભગ ૧,૪૫૦ કિલોમીટર (૯૦૦ માઇલ) દૂર ગાન્સુ પ્રાંતીય રાજધાની લાન્ઝોઉમાં ભૂકંપ અનુભવાયો હતો.