ગુરુકુલ કુરુક્ષેત્રનો 112મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી સંપન્ન : વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યા હેરતભર્યા કરતબ
ગાંધીનગર, આચાર્યના સંરક્ષણમાં બ્રહ્મચારી ગર્ભસ્થ શિશુની જેમ સુરક્ષિત રહે છે, અને જે બ્રહ્મચારી પોતાનાં ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, તેઓ જીવનમાં નિશ્ચિત રૂપે સફળતાના શિખરે પહોંચે છે.
ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુલના 112મા વાર્ષિક મહોત્સવના અવસરે જણાવ્યું કે, ગુરુકુલ કુરુક્ષેત્ર સંપૂર્ણ સમર્પણભાવથી યુવાઓના ચરિત્ર નિર્માણમાં સક્રિય છે, અને રાષ્ટ્રને ઉચ્ચ કક્ષાના અધિકારી, ઇજનેર, ડોકટરો અર્પણ કરવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષા સાથે ઉત્તમ સંસ્કાર અને આરોગ્ય આપવું એ ગુરુકુલોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ સંચાલિત તમામ ગુરુકુલોમાં આ મહત્વના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તેમણે બ્રહ્મચારીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા કૌશલ્ય પ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવ્યું કે, તેમને પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલું ભોજન અને ગુરુકુલની અદ્યતન ગૌશાળામાંથી શુદ્ધ પોષક દૂધ આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા જ દેશમાં ગૌ માતાને ફરીથી ઘરોમાં સ્થાન મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન આદર્યું છે, આ મિશન અંતર્ગત, ગુજરાતમાં લગભગ 10 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવ્યા છે અને 2 લાખથી વધુ ખેડૂતોએ દેશી ગાયોનો ઉછેર શરૂ કર્યો છે. આ ઉપરાંત, ગુજરાત સરકાર એવા ખેડૂતોને દર મહિને ₹900 પ્રોત્સાહક રકમ આપી રહી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવાળી પર્વની શુભકામનાઓ આપતાં વાર્ષિક મહોત્સવના સફળ આયોજન માટે ગુરુકુલના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.
આ અવસરે ગુરુકુલના નિદેશક બ્રિગેડિયર ડૉ. પ્રવીણકુમારે ગુરુકુલના વિદ્યાર્થીઓની સિદ્ધિઓની માહિતી આપતાં જણાવ્યું કે, વર્ષ 2024માં ગુરુકુલના 17 વિદ્યાર્થીઓએ એનડીએ/ટીઈએસમાં પ્રવેશ મેળવ્યો છે અને 11 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પાસ કરી છે. આ ઉપરાંત, 5 વિદ્યાર્થીઓએ આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો છે. ગુરુકુલના 58 વિદ્યાર્થીઓએ એનડીએની લેખિત પરીક્ષા પાસ કરી અને 45 વિદ્યાર્થીઓએ જેઇઇની પરીક્ષા પાસ કરી.
અન્ય સિદ્ધિઓમાં તેમણે જણાવ્યું કે સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ 45 ગોલ્ડ, 35 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ જીત્યા અને કિક-બોક્સિંગમાં 5 ગોલ્ડ મેડલ મેળવીને ગુરુકુળ નું નામ રોશન કર્યું છે. તેમણે માતા-પિતાને ખાતરી આપી કે તેમના સંતાનો શ્રી આચાર્ય દેવવ્રતજીના સાંન્નિધ્યમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગુરુકુલમાં તેમના જીવન નિર્માણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ છે. ગુરુકુલના સંચાલકો અને દરેક શિક્ષકો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘોડેસવારી, નિશાનેબાજી, પી.ટી., સૂર્ય નમસ્કાર, ભૂમિ નમસ્કાર, ડમ્બલ, લેઝિમ, દંડ-બેઠક, યોગાસન, મલ્લખમ્બ, કલારી, સુદર્શન ચક્ર અને જિમ્નાસ્ટિક જેવા અદ્ભુત કૌશલ્ય પ્રદર્શન કરાયા. દર્શકોએ આ પ્રસ્તુતિઓને પ્રોત્સાહિત કરી હતી. સમગ્ર પરિસર તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો. એનસીસી અધિકારી કેપ્ટન શ્રવણના માર્ગદર્શન હેઠળ એનસીસી કેડેટ્સે પેટ્રોલિંગ અને એમ્બુશનું શાનદાર પ્રદર્શન કર્યુ. સમારોહના અંતે ગુરુકુલની સંચાલન સમિતિએ તમામ મહેમાનોને સ્મૃતિ-ચિહ્ન આપી સન્માનિત કર્યા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવ્યું.
આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, આર્ય પ્રતિનિધિ સભા હરિયાણાના મહામંત્રી ઉમેદ શર્મા, એચ.સી.એસ. મનીષ લોહાન, મોહિત કૌશિક, બાગાયતના સંયુક્ત નિદેશક ડૉ. મનોજ કુન્ડૂ, ઓએસડી ટુ ગવર્નર ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, 10 હરિયાણા બટાલિયનના લેફ્ટેનન્ટ કર્નલ નીતેશ કુમાર, ગુરુકુલના પ્રધાન રાજકુમાર ગર્ગ, ઉપપ્રધાન માસ્ટર સતપાલ કમ્બોજ, નિદેશક બ્રિગેડિયર ડૉ. પ્રવીણકુમાર, પ્રાચાર્ય સૂબે પ્રતાપ, વ્યવસ્થાપક રામનિવાસ આર્ય, અને ગુરુકુલ નિલોખેડીના જગદીશ આર્ય અને શિવકુમાર આર્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંચ સંચાલન મુખ્ય સંરક્ષક સંજીવ આર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.