Western Times News

Gujarati News

અમદાવાદ ગ્રામ્યની ૪૨ શાળાના ૧૧૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન કૌશલ્યોત્સવ-૨૦૨૪-૨૫યોજાઈ –અમદાવાદ જિલ્લાની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ(NEP 2020)ના સુયોગ્ય અમલીકરણ થકી વિશેષ આયોજનો

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ-ગ્રામ્ય દ્વારા શાળાના બાળકોના કૌશલ્ય વિકાસ માટે કરાયું આયોજન

અમદાવાદ જિલ્લાની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ(NEP 2020)ના સુયોગ્ય અમલીકરણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે. આવી જ પ્રવૃત્તિઓના ભાગરૂપે એફ. ડી. હાઇસ્કુલ, મકતમપુર ખાતે અમદાવાદ ગ્રામ્યની શાળાઓને આવરી લેતી જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન ‘કૌશલ્યોત્સવ-૨૦૨૪-૨૫’ યોજાઈ હતી.

સ્પર્ધામાં અમદાવાદ ગ્રામ્યની કુલ ૪૨ શાળાના ૧૧૯ વિદ્યાર્થીઓએ પોતાના વોકેશનલ ટ્રેનર્સ સાથે ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓના વોકેશનલ કોર્સિસ આધારિત પ્રોજેક્ટ્સ અને મોડેલને રજૂ કરતા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ જિલ્લામાં ધો. ૯ થી ૧૨માં એગ્રીકલ્ચર, બ્યુટી અને વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, રિટેઈલ, એપેરલ, ઓટોમોટીવ, હેલ્થકેર અને આઈ.ટી. ક્ષેત્રના વોકેશનલ કોર્સ ચાલી રહ્યા છે.

આ સ્પર્ધામાં મોડેલ સ્કુલ, સાણંદ પ્રથમ ક્રમે, એફ. ડી. હાઈસ્કુલ, મકતમપુર દ્વિતીય ક્રમે અને સાર્વજનિક હાઈસ્કુલ, સરખેજ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા. પ્રથમ વિજેતા થયેલ કૃતિ રાજ્યકક્ષાએ ભાગ લેશે.

અમદાવાદ-ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કૃપાબેન જહાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ પ્રસંગે સમગ્ર શિક્ષા, ગાંધીનગરના વોકેશનલ શાખા અધિકારીશ્રી રહેમાન પરબડિયાએ ઉપસ્થિત રહીને ભાગ લેનાર વિદ્યાર્થીઓને  પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં રેગ્યુલર વિષયોની સાથે એક વોકેશનલ વિષય પસંદ કરવાનું મહત્વ સમજાવ્યું હતું. શાળાઓને આવા કોર્સ ચલાવવાની મંજુરી, કોર્સ માટે જરૂરી માર્ગદર્શકો અને જરૂરી લેબોરેટરીની પ્રક્રિયાની સમજ પણ તેમણે આ તકે પૂરી પડી હતી. વિદ્યાર્થીઓને પગભર બનવામાં આવા વિષયો કેટલા ઉપયોગી બની શકે છે તે વિશે તેમણે ઉપસ્થિત સૌને વિવિધ ઉદાહરણો થકી સમજાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,અમદાવાદ(ગ્રામ્ય)ના શિક્ષણ નિરીક્ષકશ્રી અને વોકેશનલ પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી ચારુશીલાબેન મકવાણાએ આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના પરિપ્રેક્ષ્યમાં પ્રસંગ પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષકશ્રી શ્રીમતી ઇન્દુબહેન ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. નિકુંજભાઈ પટેલ, સરકારી પોલિટેકનીક અમદાવાદના પ્રોફેસર ઝંખનાબહેન મહેતા, કુબેરનગર આઈ.ટી.આઈ.ના વાઈસ પ્રિન્સીપાલ શ્રી વિજયભાઈ કોરડીયા, એફ.ડી. શૈક્ષણિક સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી શ્રી ઈમ્તિયાઝભાઈ શેખ અને વાઈસ ચેરમેનશ્રી આર. એમ. ફારૂકી, એફ. ડી. હાઇસ્કુલના આચાર્ય શ્રી એમ. આઈ. પટેલ, સરકારી માધ્યમિક શાળા કુજાડના આચાર્ય ડો. સ્નેહલ વૈદ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.