15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા “ફ્લાવર શો”માં ટિકીટની આવક 9.46 કરોડ થઈ
ફ્લાવર શોમાં કુલ રૂ.૧૩ કરોડની આવક થઈઃ દેવાંગ દાણી
24 દિવસમાં ફ્લાવર શોમાં ૧૨.૮૬ લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા -ઉતરાયણના દિવસે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૧.૩૦ લાખથી વધુ લોકો આવ્યા હતા.
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા ફ્લાવરશોને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ૨૬ જાન્યુઆરી સુધી ચાલેલા ફ્લાવર શોમાં દેશ-વિદેશના અનેક ફૂલોની સજાવટ કરવામાં આવી હતી.
ફ્લાવર શોમાં જે સિઝનલ ફૂલ જોવા મળ્યા હતા તે ફુલોને હવે લોકો ખરીદી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરી ખાતે અલગ અલગ જાતના હયાત સિઝનલ ફૂલોનું વેચાણ કરવામાં આવશે. જે ૨૮ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીમાં ફૂલો ખરીદી શકાશે. ૨૪ દિવસ સુધી ચાલેલા ફ્લાવર શોમાં ૧૩ લાખ લોકોએ મુલાકાત લીધી છે જેનાથી ૧૨.૯૦ કરોડ જેટલી આવક થઈ છે.
15 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાવર શો2025ની આવક 3 દિવસમાં 1.50 કરોડ થઈ
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલાં અમદાવાદ ઇન્ટરનૅશનલ ફલાવર શો – ૨૦૨૫માં પ્રદર્શિત કરવામાં સિઝનલ પ્રકારનાં રોપાનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેચાણ કરવાનાં સિઝનલ રોપાની વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કોપેરિશનની વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે.
જેમાં વ્યક્તિ/એજન્સીએ ઓફિસનાં કામકાજનાં દિવસોએ રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરી રોપા મેળવી શકશે. એક રોપાથી લઇ ૧૦૦ અને ૧૦૦થી ૧૦૦૦ રોપા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ૧૦ રૂપિયાથી લઈને ૨૩૫ રૂપિયા સુધીનો ભાવ રાખવામાં આવ્યો છે.
પાંચ જેટલી નર્સરીઓમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો દરમિયાન હયાત સિઝનલ પ્રકારના ફૂલો જેમાં ગજેનીલા, ડાયનથસ, સિલાસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, બુફોબિયા, કોલીયસ, સેવતી, સાલ્વીયા, એસ્ટર જેવા રોપા મળશે. જ્યારે ૬ઇંચ ઊંચા ઓર્નામેન્ટલ કેલે, પોટ પાનસેટિયા, પોટ (પિટુનીયા સેવતી વગેરે) પોર્ટ કેલેન્ચો રોપા મળશે.
૮ ઇંચના પોટ પાનસેટીયા અને ૯ કેવીટી (ડાયન્જસ, પીટુનીયા વગેરે) મળશે. ૪૨ કેવીટી (ડાયન્યા, પીટુનીયા. ગ્રીન રેડ અલ્ટનેન્થેરા વગેરે) પણ મળશે. પાંચેય નર્સરીઓ પર ૨૮ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
રોપા લઈ જવા માટે વસ્તુ, કન્ટેઇનર તથા વાહન ખરીદનારે લાવવાનું રહેશે. સ્થળ પર રોપા જોઈ જગ્યો નક્કી કરી નિયત દર મુજબ ચુકવણી કર્યા બાદ રોપા આપવામાં આવશે. રોપા ખરીદનારે જ તેઓનાં સ્વખર્ચે સ્થળ પરથી રોપા ઉપાડી લેવાનાં રહેશે.
ડે . કમિશનર જયેશ ઉપાધ્યાય ના જણાવ્યા મુજબ ત્રણ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી યોજાયેલા ફ્લાવર શોમાં ૧૨.૮૬ લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા. ફ્લાવર શોની ટિકિટની આવક રૂ. ૯.૪૬ કરોડ જેટલી થઈ છે જ્યારે ફૂડ સ્ટોલ અન્ય નર્સરી ના રોપા ના વેચાણ સહિત ને મળી અંદાજિત ૧૫ કરોડ જેટલી આવક મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને થઈ છે.
ફ્લાવર શો જોવા માટે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૧.૩૦ લાખથી વધુ લોકો ઉતરાયણના દિવસે આવ્યા હતા. ફ્લાવર શોમાં જે સિઝનલ ગોપાલ મૂકવામાં આવ્યા હતા તેનું વેચાણ આજે ૨૮ જાન્યુઆરીથી ચાર દિવસ માટે નક્કી કરવામાં આવેલી પાંચ નર્સરીઓમાં શરૂ કરવામાં આવ્યું છે.