પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ દીપિકા પાદુકોણ સહિત ૧૨ સેલિબ્રિટી બાળકોને ટિપ્સ આપશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Dipika1.jpg)
નવી દિલ્હી, દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમ ૧૦ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે યોજાશે.
આ પરીક્ષા પે ચર્ચાની ૮મી આવૃત્તિ છે. આ વખતે કાર્યક્રમ ખાસ બનવાનો છે, કારણ કે આ વખતે બોલિવૂડ અભિનૈત્રી દીપિકા પાદુકોણથી લઈને મેરિ કોમ સુધી ઘણી મોટી હસ્તીઓ પણ ભાગ લેવાની છે.
સમગ્ર કાર્યક્રમ ૮ ભાગોમાં વહેંચાયેલો હશે. જેમાં કુલ ૧૨ સેલિબ્રિટી બાળકોના પ્રશ્નોના જવાબ આપીને તણાવ દૂર કરવા માટે ટિપ્સ આપશે.પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેનારા સેલિબ્રિટીઓમાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ, ૬ વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર મેરી કોમ અને આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવનો સમાવેશ થાય છે.
અન્ય સેલિબ્રિટીઓમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અવની લેખારા, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર, સોનાલી સભરવાલ, હેલ્થ ઇન્ફ્લુઅન્સર ફૂડ ફાર્મર, અભિનેતા વિક્રાંત મેસી અને ભૂમિ પેડનેકર, યુટ્યુબર્સ ટેકનિકલ ગુરુ જી અને રાધિકા ગુપ્તા પણ સામેલ છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે દેશવાસીઓના સમર્થનથી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે પહેલીવાર દેશભરમાંથી ૩.૫ કરોડ વાલીઓ, બાળકો અને શિક્ષકોએ નોંધણી કરાવી છે. આ આંકડો ઘણો મોટો છે અને પીએમના આ કાર્યક્રમની લોકપ્રિયતા દર્શાવે છે.SS1MS