વિઝા અપાવાનું કહી ૧૨ લાખ અને ૨૫૦૦ ડોલર પડાવી ઠગાઇ
અમદાવાદ, કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવકને ઓસ્ટ્રોલિયા વર્ક પરમીટ આપવાનું કહી ૧૨ લાખ રૂપિયા એજન્ટે લીધા હતા. ત્યારબાદ તેને આર્મેનિયા દેશમાં લઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયા જવા ટિકિટ પેટે ૨૫૦૦ ડોલર પડાવ્યા હતા અને એરપોર્ટ પર મોકલ્યો હતો. જ્યાં ઇમિગ્રેશન અધિકારીએ તપાસ કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ યુવક અમદાવાદ પરત આવી ગયો હતો.
આ મામલે યુવકે એજન્ટ સામે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. ઠક્કરનગર વિસ્તારમાં ૨૧ વર્ષીય દીપક વિષ્ણુભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને સીયુ શાહ કોલોજેમાં અભ્યાસ કરે છે. દોઢ મહિના અગાઉ દીપકના કાકાના સાઢુભાઇ જય ચંદ્રકાંતભાઇ પટેલ (રહે. ખોખરા) સાથે દીપકનો સંપર્ક થયો હતો.
જય વર્ક પરમીટ વિઝાનું કામ કરતો હોવાથી તેની સાથે દીપકે વર્ક પરમીટ માટે વાત ચીત કરતો હતો. ત્યારે જયે દીપકને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી ૧૨ લાખ રૂપિયામાં વર્ક પરમીટ વિઝા કરી આપવાનું કહ્યું હતું. જેથી ૧૩ માર્ચ ૨૦૨૩ના રોજ ૨ લાખ જયને ટ્રાન્સફર કર્યા હતા.
જયે વિઝાનું કામ શરૂ કરી દીધુ હોવાનું જણાવ્યું હતું. પછી ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બીજા ૮.૫૦ લાખ રૂપિયા માગતા તે પૈસા પણ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પછી ૨૭મી જાન્યુઆરીના રોજ જયે ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝાની માહિતી મોકલી આપી હતી.
ત્યારબાદ બીજા પૈસા માગ્યા હતા. આમ ટુકડે ટુકડે તેણે ૧૨ લાખ રૂપિયા મેળવી લીધા હતા. જયે પૈસા આવી ગયા બાદ ઓસ્ટ્રેલિયા આર્મેનિયા થઇ જવું પડશે અને ૫ માર્ચ ૨૦૨૪ની આર્મેનિયાની ટિકિટ આપી હતી. જેથી દીપક આર્મેનિયા ગયો હતો.
જ્યાં પહોંચ્યા બાદ જયે તેનો ઓરિજનલ પાસપોર્ટ લઇ લીધો હતો અને પછી તેણે ઓસ્ટ્રેલિયાના વીઝા આપતા દીપકે જણાવ્યું હતું કે વર્ક પરમીટ વિઝાની વાત થઇ હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ વર્ક પરમીટ વિઝા આપી દઇશ. ૨૫ માર્ચે ઓસ્ટ્રેલિયા જવાની ટિકિટ કરી આપવાનું કહી બીજા ૨૫૦૦ ડોલર માગ્યા હતા અને આ પૈસા પછી પાછા આપી દઇશ તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ તે આર્મેનિયા એરપોર્ટ પરથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો હતો. ત્યારે એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, તમે ઓસ્ટ્રેલિયા જઇ શકો નહીં તમારા વિઝા નકલી છે. ત્યારબાદ દીપક પરત હોટલ જતો રહ્યો હતો. ત્યારે જયે ફરી અઠવાડિયામાં વિઝા કરી આપીશ તેમ જણાવ્યું હતું. પરંતુ વિઝા આપ્યા ન હતા.
જેથી જયે જણાવ્યું હતું કે, તું ભારત પરત આવી જા, તારું કામ નહીં થાય તો તારા રૂપિયા પરત આપી દઇશ ત્યારબાદ દીપક આર્મેનિયાથી ભારત પરત આવી ગયો હતો. પછી તપાસ કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે દીપકે જય સામે ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS