Western Times News

Gujarati News

કિન્નર સમાજના 12 સભ્યોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા

ખેડા લોકસભા મતવિસ્તારના અન્ય જાતિના તમામ મતદારોને ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા આગેવાન શબનમકુંવરની અપીલ

(માહિતી) નડિયાદ, આગામી ૦૭ મે, ૨૦૨૪ના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાં મતદાન જાગૃતિ કરવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ વિવિધ સમુદાયો દ્વારા અવશ્ય મતદાન માટે શપથ લેવામાં આવી રહ્યા છે.

જેમાં ખેડા જિલ્લાના નડિયાદ પીજ-ભાગોળ સ્થિત દાદા ગંગારામી કિન્નર અખાડાના કિન્નર સમુદાયના ૧૨ સભ્યો દ્વારા આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોઈ પણ પ્રકારના ભેદવાવ રહિત, પ્રલોભન રહિત અન નિર્ભયતાપુર્ણ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કિન્નર આગેવાન શ્રી શબનમકુંવરે જણાવ્યું હતું કે મતદાન આપણી પવિત્ર ફરજ છે. કિન્નર સમુદાય પણ સમાજનો એક અભિન્ન અંગ છે. માટે લોકતાંત્રિક પરંપરાઓની જાળવણી કરવા હેતુ અમે સૌ અચૂક મતદાન કરીશું.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને ‘અન્ય જાતિ’ કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ત્યારે અન્ય જાતિ એટલે કે થર્ડ જેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપીને ખેડા જિલ્લાનો કિન્નર સમુદાય પણ ભારતીય નાગરિક તરીકેની ફરજ બજાવવા કટીબદ્ધ થયો છે.

નોંધનીય છે કે ખેડા લોકસભા મતવિસ્તારના કુલ ૧૯,૯૧,૯૬૮ મતદારોમાં કુલ ૧૦૧ અન્ય જાતિના મતદાતાઓ નોંધાયેલ છે. જેમાં નડિયાદ શહેર ૫૩ અન્ય જાતિનાં મતદાતાઓ સાથે મોખરે છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૪માં ખેડા લોકસભા મતવિસ્તારના કુલ ૧૭ અન્ય જાતિના મતદાતાઓમાંથી ફક્ત એક જ મતદાતાએ મતદાન કર્યું હતું.

જ્યારે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯માં ખેડા લોકસભા મતવિસ્તારના કુલ ૭૨ અન્ય જાતિના મતદાતાઓમાંથી ૩૦ મતદાતાઓએ મતદાન કર્યું હતું. ત્યારે ખેડા ચૂંટણી તંત્ર અન્ય જાતિના મતદાતાઓ, પ્રથમ વખત મતદાન કરતા મતદારો, યુવા મતદારો, મહિલા મતદારો, સીનિયર સીટીઝન મતદારો, દિવ્યાંગ મતદારો સહિત સૌ મતદાતાઓ અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાય તેવી અપીલ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.