રાજકોટના સવાણી પરિવારના ૧૨ સભ્યોનો મોરબી દુર્ઘટનામાં બચી ગયા
મોરબી, ૧૮૭૯માં મોરબીના રાજાએ બનાવેલો અને હાલમાં જ ઓરેવા નામની કંપનીએ રિનોવેટ કરેલો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ ગુજરાત સહિત આખો દેશ હચમચી ગયો છે.
દિવાળી વેકેશન અને રવિવારનો દિવસ હોવાથી પોતાના પરિવારજનો અને બાળકો સાથે પુલ પર ફરવા ગયેલા ૧૩૫ લોકો કાળનો ભોગ બની ગયા. દુર્ઘટના બની તે સમયના અનેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે, જે ભલભલી વ્યક્તિને અંદરથી હચમચાવી દે તેવા છે.
ઓવરક્રાઉડેડ પુલ તૂટી જતાં મોટાભાગના લોકો નદીમાં પડ્યા હતા, અમુક બ્રિજ પર જ લટકી ગયા હતા તો કેટલાક નીચે પટકાતા એવો માર વાગ્યો હતો કે બેસવાની સ્થિતિમાં નહોતા. જાે કે, આ દુર્ઘટનામાં કેટલાક એવા પણ હતા જેઓ હેમખેમ બચી ગયા. તેમાં રાજકોટના વેપારીના પરિવારનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટ પ્રમાણે, રાજકોટનાં કોસ્મેટિકના વેપારી જેનિશ વસાણી મોરબીમાં રહેતા તેમના માસીને મળવા માટે ગયા હતા. તે સમયે તમામે ઝુલતા પુલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. વેપારી, તેમના પત્ની, માતા અને બાળકો સહિત વસાણી પરિવારના ૧૨ સભ્યો પુલ તૂટ્યો તે સમયે ત્યાં જ હાજર હતા.
બચી ગયેલા પરિવારના સભ્યોમાં પાંચ સીનિયર સિટિઝન અને પાંચ બાળકો હતા, જેમાં જેનિશના પાંચ માસીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે પુલ તૂટ્યો ત્યારે જેનિશ, તેમના પત્ની અને પાંચ બાળકોએ બીજી તરફ જવાનું શરૂ કર્યું હતું અને નદીમાં પડ્યા હતા.
ઘરના વૃદ્ધોએ હજી ચાલવાનું શરૂ કર્યું હોવાથી તેઓ એન્ટ્રી પોઈન્ટ પર હતા અને જ્યારે બ્રિજ પજ્યો ત્યારે રેલિંગ પકડી ઉભા રહ્યા હતા. જેનિશ અને તેમનો દીકરો સ્વિમિંગ જાણતા હતા, તેથી અન્યને બચાવ્યા હતા અને જ્યાં સુધી મદદ ન મળે ત્યાં સુધી રેલિંગ પકડી રાખી હતી.
પરિવારના અન્ય સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે જેનિશના પત્નીને લોખંડનો સળીયો વાગ્યો હતો. વસાણી પરિવારના સભ્યોએ પોતાનો જરૂરી સામાન્ય ગુમાવ્યો હતો પરંતુ જીવિત રહ્યા તેની ખુશી છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં પોલીસે અત્યારસુધીમાં ૯ લોકોની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારનો સમાવેશ થાય છે.
ધરપકડ કરાયેલા લોકોમાંથી દીપક પારેખ ઓરેવા ટ્રસ્ટના જયસુખભાઈ પટેલના અંગત વ્યક્તિ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ તમામ લોકો સામે આઈપીસીની કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સરકારે સ્પેશયલ ટીમ પણ બનાવી છે.SS1MS