બહેરામપુરા 30 MLD પ્લાન્ટમાંથી દૈનિક 12 MLD પ્રદુષિત પાણી નદીમાં બાયપાસ કરાય છે

પ્રતિકાત્મક
પ્લાન્ટમાં દૈનિક ૩૦ સામે ૪ર એમએલડી પ્રદુષિત પાણીની આવક
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને વધુ પ્રદુષિત થતી અટકાવવા માટે બહેરામપુરા વિસ્તારમાં ૩૦ એમએલડી ક્ષમતાનો સીઈટીપી બનાવવામાં આવ્યો છે. આ સીઈટીપીનું લગભગ ૬ મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું
પરંતુ જે આશ્રયથી આ સીઈટીપી શરૂ કરવામાં આવ્યો છે તે આશ્રય સફળ થયો નથી તેમજ મ્યુનિ. કોર્પોરેશને સદર સીઈટીપી શરૂ કરી ગોળો અને ગોફણ બંને ગુમાવ્યા હોય તેવો ઘાટ થયો છે. પ્લાન્ટની નિષ્ફળતાથી નારાજ કમિશ્નરે બે દિવસ અગાઉ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર સહિત જવાબદાર અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દાણીલીમડા વિસ્તારમાં ૬ મહિના અગાઉ શરૂ કરવામાં આવેલ ૩૦ એમએલડી ક્ષમતાનો સીઈટીપી પ્લાન્ટ બીલકુલ નિષ્ફળ સાબિત થયો છે સદર પ્લાન્ટ શરૂ થયા બાદ નદીમાં પ્રદુષણની માત્રા ઘટશે તેવી આશા વ્યકત થતી હતી પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ છે. મ્યુનિ. સુત્રોનું માનીએ તો પ્લાન્ટ શરૂ થયો તે પહેલા કોર્પોરેશન દ્વારા અંદાજે અઢીથી ત્રણ હજાર જેટલા પ્રોસેસ હાઉસ સીલ કરવામાં આવ્યા હતા
જે પ્લાન્ટના લોકાર્પણ બાદ કોઈની રહેમનજરે ખુલી ગયા જેના કારણે ૩૦ એમએલડી પ્લાન્ટમાં દૈનિક ૪ર એમએલડીની આવક થાય છે તેથી રોજ ૧ર એમએલડી પ્રદુષિત પાણી નદીમાં સીધુ બાયપાસ થઈ રહયું છે. ચોંકાવનારી માહિતી મુજબ થોડા સમય અગાઉ પ્લાન્ટમાં એસીડીક પાણી પણ આવ્યું હતું જેના કારણે તમામ મશીનરી પણ બગડી ગઈ હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ ટ્રાયલ રનમાં જે સેમ્પલ ટેસ્ટીગ કરવામાં આવ્યા હતા
તે તમામ અનફીટ સાબિત થયા હતા તેમ છતાં સત્તાધીશોના દબાણ હેઠળ કમિશનીંગ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એકાદ મહિનાથી પ્લાન્ટની સ્થિતિ જોવા મળી છે તેનાથી કમિશ્નર નારાજ થયા છે તથા ગત શનિવારે રજા ના દિવસે પણ આ પ્લાન્ટ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ સાથે બંધ બારણે મેરેથોન મીટીંગ પણ કરી હતી પરંતુ હાલ ચુંટણીને ધ્યાનમાં લઈ કમિશ્નર પણ કોઈ કડક કાર્યવાહી કરી શકે તેમ નથી પરંતુ જે પ્લાન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે પાણી છોડવામાં આવી રહયા છે અથવા તો કોર્પોરેશને સીલ કર્યાં બાદ પરવાનગી વિના જ ખુલી ગયા છે તેવા રપ જેટલા પ્લાન્ટને ફરીથી સીલ કરવામાં આવ્યા છે તેમજ ૩૦થી વધુ પ્લાન્ટને નોટીસ આપવામાં આવી છે.
શહેરના બહેરામપુરા દાણીલીમડા વિસ્તારમાં આવેલ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગની ફેકટરીઓ દ્વારા નદીમાં છોડવામાં આવતા એસીડીક અને કેમિકલયુક્ત પાણીને રોકવા માટે ૩૦ એમએલડી ક્ષમતાનો સીઈટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ં કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને હેન્ડ હેન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનની ગ્રાંટમાંથી રૂ.૧૧ર કરોડના ખર્ચથી સીઈટીપી તૈયાર થયો છે જોકે સદર પ્લાન્ટ માટે રાજય સરકાર દ્વારા પ૭ કરોડની ગ્રાંટમાંથી માત્ર રૂ.૪૩ કરોડ જ કોર્પોરેશનને મળ્યા છે.
જયારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૪૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવવાની હતી જે મળી નથી આમ રૂ.૭૮.૭૭ કરોડની ગ્રાંટ કેન્દ્ર અને રાજય સરકાર પાસેથી લેવાની બાકી હોવા છતાં નદીને પ્રદુષિત થતી રોકવાના કારણો દર્શાવી મ્યુનિ. ભાજપના પ્રભારી તથા અન્ય બે ત્રણ લોકોએ યેનકેન પ્રકારે પ્લાન્ટ શરૂ કરવામાં દબાણ શરૂ કર્યાં હતાં સદર પ્લાન્ટ બનાવવા અમદાવાદ હેન્ડ પ્રિન્ટીંગ એસોસીએશને દરખાસ્ત કરી હતી
તથા તે મુજબ જ તે દરખાસ્તને ધ્યાનમાં લઈને જ પ્લાન્ટ તૈયાર થયો છે પરંતુ પ્લાન્ટનું કામ પૂર્ણ થાય તે પહેલા જ કર્ણાવતી એસોસીએશને પણ સીઈટીપી માટે રજુઆત કરી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા તેને માન્ય રાખવામાં આવી ન હતી કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાંટ બાકી હોવાથી શરૂઆતના તબકકે મ્યુનિ. અધિકારીઓએ પણ પ્લાન્ટ શરૂ કરવા માટે સ્પષ્ટ ના પાડી હતી.
સુત્રોનું માનીએ તો પ્લાન્ટ શરૂ થાય તે પહેલા તેનો કબજો કર્ણાવતી એસોસીએશને લઈ લીધો હતો તેથી ભાજપના પ્રભારીએ અંગત રસ દાખવી આ પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. તે સમયે સરકારની ગ્રાન્ટના બાકી રૂપિયા છ મહિનામાં લઈ આપવાની જવાબદારી એસોસીએશને લીધી હતી. જે સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં કોર્પાેરેશનને મળ્યા નથી આમ કોર્પાેરેશનને આર્થિક નુકસાન પણ થયેલ છે.