10 હજાર જેટલા પર્યાવરણ પ્રેમીઓએ મળી ૧૨ હજાર થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું
ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં “મહાવાવેતર‘ અભિયાન યોજાયું
વડાપ્રધાનશ્રીના “એક પેડ માં કે નામ” સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી “મહા વાવેતર” અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે તે સરાહનીય પ્રયાસ છે.
સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રીશ્રી, વન અને પર્યાવરણ શ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી, વન અને પર્યાવરણશ્રી મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં “મહાવાવેતર‘ અભિયાન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી, વન અને પર્યાવરણ શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના “એક પેડ માં કે નામ” સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી “મહા વાવેતર” અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે. વડા પ્રધાનશ્રીના ”એક પેડ માં કે નામ‘ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ૧૪૦ કરોડથી વધુ વૃક્ષો વાવવનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ ધ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર ૧,૯૫૯ હેકટર વિસ્તારમાં ૧૩.૯૮ લાખ રોપાઓનું વાવેતર થતા જીલ્લાના વન વિસ્તારમાં ૩,૦૫૭ હેકટર વિસ્તારમાં ૨૨.૬૭ લાખ રોપાઓ એમ મળી કુલ ૫,૦૧૬ હેકટર વિસ્તારમાં ૩૬.૬૫ લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીશ્રીએ “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું.
મહા વાવેતર અભિયાન કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રીશ્રી, વન અને પર્યાવરણશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરૂ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન રજથી વિભૂષિત એવી ઇડરની તપોભૂમિ ખાતે વડાપ્રધાનશ્રીનાં “એક પેડ મા કે નામ” અભિયાનને સાર્થક કરતાં “ગ્રીન અરવલ્લી” ગીરીમાળા વૃક્ષારોપણ કાર્યક્રમએ સરાહનીય પ્રયાસ છે.
દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથેનો છે.જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણાં બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચુકવી ન શકે. સૌ પોતાની માતાનું આ ઋણ ચુકવી શકે તે શુભ હેતુથી એક પેડ મા કે નામ” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે.
આ વર્ષે ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાનાં વન મહોત્સવ પૂર્ણ થયા છે. વન મહોત્સવ દરમ્યાન ૧૦.૫૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. તેમજ ૭૫માં વન મહોત્સવ હેઠળ રાજ્યમાં લોકભાગીદારીથી ૫૦૦૦ “માતૃવન”નું નિર્માણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૮ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતને હરિયાળુ બનાવવાનાં સંકલ્પમાં ગામે ગામ લોકો જોડાઇ રહ્યા છે.
ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર ખાતે અંદાજે દસ હજારથી વધુ જનમેદની ધ્વારા સામુહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની સામુહિક કામના કરવામાં આવી હતી.
“મહાવાવેતર‘ અભિયાનમાં ડ્રોન ધ્વારા મોટી સંખ્યામાં સીડ બોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો હતો.
ઈડર તેમજ આસપાસના તાલુકાના સરપંચશ્રીઓ, દુધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, વન મંડળીઓ, સ્વ. સહાય જુથો, પર્યાવરણ પ્રેમીઓ, બિન સરકારી સંગઠનો, પધાધિકારીશ્રીઓ, યુવક મંડળો, સાધુ–સંતો, એસ.આર.પીના જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ વગેરે અંદાજીત ૧૦,૦૦૦ જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના મિશન એવા ‘એક પેડ માં કે નામ‘ અંતર્ગત ‘ મહાવાવેતર” અભિયાનમાં જોડાઈ ૧૮ હેકટરના અનામત જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેકટરશ્રી રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર,નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી પટેલ, પ્રાંત અધિકારીશ્રી, અગ્રણીશ્રી પૃથ્વીરાજ ભાઈ પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.