વાસણાની 12 વર્ષની બાળકીનો ડેન્ગ્યુએ ભોગ લીધો
ડેન્ગ્યુ, કોલેરા, કમળો જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ફરી માથુ ઊંચક્યું છે. શહેરમાં ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. અમદાવાદ માં એક સપ્તાહ અગાઉ ડેન્ગ્યુ એ વસ્ત્રાલની એક દીકરીનો ભોગ લીધો હતો.જયારે ચાલુ સપ્તાહમાં વાસણાની રહીશ 11વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું છે.
શહેરમાં ડેન્ગ્યુ નો પ્રકોપ વધી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં 24 તારીખ સુધી ડેન્ગ્યુના 488 કેસ નોંધાયા છે જે પૈકી બે બાળકીઓના મૃત્યુ થયા છે. પ્રથમ મૃત્યુ 10 દિવસ અગાઉ વસ્ત્રાલ ની રહીશ 12 વર્ષની બાળકીનું થયું હતું. જયારે બીજુ મૃત્યુ પલ પારસ શાહ નામની 11 વર્ષની બાળકીનું થયું છે.ઓગસ્ટમાં 17 તારીખ સુધી ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા હતા. મતલબ કે , છેલ્લા 7 દિવસ દરમ્યાન ડેન્ગ્યુના નવા 143 કેસ કન્ફર્મ થયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ 908 કેસ નોંધાયા છે.
શહેરમાં ઓગસ્ટ મહિનામાં ચિકનગુનિયાના 43 અને ઝેરી મેલેરિયાના 27 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ આરોગ્યવિભાગ ઘ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે 6986 કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકીંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોર ટુ ડોર ચેકીંગ અને ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.
ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં 24 તારીખ સુધી ઝાડાઉલ્ટીના 643, ટાઈફોઈડના 663, કમળાના 424 અને કોલેરાના 22 કેસ નોંધાયા છે.ચાલુ વર્ષ દરમ્યાન ઓગસ્ટ મહિના સુધી કમળાના કુલ 1761 કેસ નોંધાયા છે. જયારે 2023ના સમગ્ર વર્ષ દરમ્યાન કમળાના 1739 કેસ નોંધાયા હતા.