1200 પથારીઓને ઓક્સિજન સેન્ટ્રલ લાઇનથી જોડવાની કામગીરી પૂર્ણતાના આરે
અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અતિપ્રચલિત બનેલી 1200 બેડ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલની નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજરોજ મુલાકાત લીધી હતી.
1200 બેડ હોસ્પિટલમાં નિર્માણાધીન વોર્ડની કામગીરી, તકનીકી ઉપકરણો, ઓ.પી.ડી. આઇ.સી.યુ. વગેરે જેવી સુવિધાઓની જાત માહિતી મેળવીની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી એ 1200 બેડ હોસ્પિટલમાં નવા સ્થાપાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, 1200 બેડ હોસ્પિટલના તમામ બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન થી જોડવામાં આવનાર છે. જેથી હોસ્પિટલના તમામ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થઇ શકે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીનું આ એક આગોતરુ આયોજન છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર ન પણ આવે તો સામાન્ય દિવસોમાં પણ સામાન્ય મહિલા અને બાળ દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત સંતોષવા આ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન અસરકારક સાબિત થશે તેવો ભાવ નાયબ મુખ્યમંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.