સિવિલ હોસ્પીટલના 1200 બેડના પ્રસુતિ વોર્ડમાં દીકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ધારસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલા, શ્રી અમુલભાઈ ભટ્ટ અને ડૉ. સુશ્રી પાયલબહેન કુકરાણીની વિશેષ ઉપસ્થિતિ
‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણી કરવામાં આવી
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પીટલ, અસારવા, 1200 બેડના પ્રસુતિ વોર્ડમાં અસારવા વિસ્તારના ધારસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલા, મણિનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ અને નરોડા વિસ્તારના ધારસભ્ય ડૉ. સુશ્રી પાયલબહેન કુકરાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યઓ અને સ્થાનિક કોર્પોરેટરઓના હસ્તે 30 જેટલી નવજાત બાળકીઓને દીકરી વધામણા કિટ વિતરણ કરવામાં આવી હતી. ધારાસભ્યઓ દ્વારા રાજ્ય સરકારશ્રીની કુખથી લઈ કરિયાવર સુધી દીકરીઓની દરકાર લેતી વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત, તમામ દીકરીઓના વાલીઓને આ યોજનામાં ફોર્મ ભરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્યશ્રીઓ દ્વારા હોસ્પીટલમાં જન્મેલ તમામ દીકરીઓ અને તેમની માતાઓને સારા સ્વાસ્થ્ય અને દીકરીઓના ઉજ્જ્વળ ભવિષ્ય સાથેના શુભ આશિષ આપી દીકરીઓને વધાવી લેવામાં આવી હતી.
આ દીકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જિગરભાઈ જસાણી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી વૃતિકાબહેન વેગડા, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ શ્રી હિતેન્દ્રભાઈ ઝાંખરીયા, ફિલ્ડ ઓફિસર શ્રી ઉર્વશીબેન પુરબીયા, 1200 બેડના હેડ નર્સ અને નર્સિંગનો સ્ટાફ, DHEW, OSCના કર્મચારી તેમજ એલ.જી. હોસ્પીટલ પ્રસુતી વિભાગ વોર્ડના હેડ નર્સ અને નર્સિંગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.