સિક્કીમમાં ૧૫ વિદેશી સહિત ૧૨૦૦ પ્રવાસીઓ ફસાયા
(એજન્સી)ગંગટોક, સિક્કીમમાં ભારે વરસાદને કારણે લેન્ડસાઈડ થઈ રહી છે. સિક્કીમમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. ત્યારે સિક્કીમમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થઈ ગયા છે. ભારે વરસાદ અને લેન્સલાઈડના કારણે અનેક જગ્યાઓ પર લોકો ફસાઈ ગયા છે. ત્યારે સિક્કીમના મંગન જિલ્લામાં જ માત્ર ૧૨૦૦ લોકો ફસાયા છે.
ત્યારે હાલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે કે, આ તમામ પર્યટકોને કોઈ મદદ મળી જાય અને તેઓ આ વિસ્તારમાંથી સુરક્ષિત બહાર આવી જાયમંગન જિલ્લામાં ફસાયેલા ૧૨૦૦ પર્યટકોને અહીંથી બહાર નીકાળવાની કામગીરી આજે સોમવારથી શરુ કરવામાં આવી શકે છે. જોકે આ બચાવ કામગીરીનો આધાર ત્યાંના વાતારણ પર રહેલો છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ૧૫ જૂનના રોજ રવિવારે પણ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. પરંતુ વાતારણ અનુકૂળ ન હોવાથી રેસ્ક્યુની કામગીરી રોકી દેવામાં આવી હતી. ચુંગથાંગ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કિરણ થટાલે જણાવ્યું હતું કે, જો હવામાન અનુકૂળ રહેશે, તો હવાઈ અથવા માર્ગ દ્વારા સ્થળાંતર પ્રક્રિયા કરવામાં આવશે.
તેમજ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર ફસાયેલા પ્રવાસીઓને રહેવાની વ્યવસ્થા કરી રહ્યું છે અને તેમના રહેવા માટે લાચુંગ શહેરની વિવિધ હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યાં તેમને નજીવા દરે ભોજન આપવામાં આવે છે. તેમજ કહ્યું કે, જો કોઈ અસુવિધા થાય તો પ્રવાસીઓને લાચુંગ પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
આ દરમિયાન, માર્ગ અને પુલ વિભાગના મંત્રી એન બી દહલ લાચુંગ પહોંચ્યા હતા અને તેમણે પર્યટકો સાથે વાતચીત કરી અને તેમની ફરિયાદો સાંભળી હતી. તેમજ તેમને વહેલી તકે સલામત સ્થળાંતર કરવાની ખાતરી આપી હતી. સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિએ માળખાકીય સુવિધાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે.