ગુજરાત ભાજપના છ નેતા સહિત ૧૨૫ કાર્યકરો પ્રચાર માટે કર્ણાટક જશે
(એજન્સી)અમદાવાદ, આગામી મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાતના નેતાઓને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ કર્ણાટકમાં ગુજરાતી સમાજ સાથે બેઠક કરી હતી. 125 workers including six Gujarat BJP leaders will go to Karnataka for campaigning
હવે ભાજપે પ્રચાર માટે ગુજરાતના સવા સો કાર્યકર્તાઓની ફોજ કર્ણાટક મોકલવાનો ર્નિણય લીધો છે. આ ઉપરાંત સરકાર અને સંગઠનના ૬ નેતાઓ સતત કર્ણાટકના પ્રવાસે હશે. તે ઉપરાંત ૧૫ એપ્રિલ બાદ ભાજપના પ્રદેશ નેતાઓ પણ કર્ણાટકના પ્રવાસે જશે. આ તમામ જવાબદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના શીરે રાખવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ૧૫ એપ્રિલથી ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટકમાં ધામા નાંખશે. આ માટે પ્રદિપસિંહ વાઘેલા, ગણપત વસાવા, પ્રવિણ માળી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અન્ય રાજ્યમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા જશે. તેમણે તાજેતરમાં જ કર્ણાટકમાં ગુજરાતી સમાજ સાથે બેઠકો કરી હતી.કર્ણાટકમાં ઝંઝાવાતી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પ્રચાર કરવાની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના ૬ મોટા નેતાઓ અને ૧૨૫ કાર્યકરો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે.
જુલાઈ ૨૦૧૯માં કર્ણાટકમાં ભાજપની સરકાર બની હતી, ભાજપ ગઠબંધનના કેટલાક બળવાખોર ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ થયું, જેઓ પાછળથી ભાજપમાં જાેડાયા અને પેટાચૂંટણી જીતી.
ભાજપ પાસે હાલમાં વિધાનસભામાં ૧૨૧ ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે ૭૦ અને જેડીએસ પાસે ૩૦ ધારાસભ્યો છે. ભાજપે તેના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીઓને પણ બદલ્યા, બીએસ યેદિયુરપ્પાએ જુલાઈ ૨૦૨૧માં રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતાં.
કર્ણાટકમાં ૧૦ મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને ૧૩ મેના રોજ મતગણતરી થશે.