૧૨૮ મિલિયન વ્યૂ , હજારો રીલ્સમાં વાયરલ ‘બદો બદી’ ગીત યૂટ્યુબે ડિલીટ કર્યું
મુંબઈ, છેલ્લા ઘણા દિવસોથી યૂટ્યુબ શોટ્ર્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અનેક કોમેડી વીડિયોમાં કે કટાક્ષની વીડિયોમાં ‘બદો બદી’ સોંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું હતું. પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું આ ગીત બધે જખુબ ચર્ચામાં હતું. માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ ભારત, બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં આ ગીતે ધૂમ મચાવી હતી. આ ગીતને યૂટ્યુબ પર ૧૨૮ મિલિયન વ્યૂઝ મળ્યાં હતાં.
તેથી અન્ય ઘણા ગાયકો અને કન્ટેન્ટ ક્રિએટર્સ પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. હવે આ ગીત યૂટ્યુબે ડિલીટ કરી દીધું છે. આ ગીત માટે ચાહત અલી ખાન ખૂબ ટ્રોલ થયા હતા. આ ટ્રોલિંગના કારણે જ જાણે આ ગીત વધુ લોકપ્રિય થયું હતું. પરંતુ ડિલીટ થયા પછી લોકો આશ્ચર્યમાં મુકાયા હતા કે આ ગીત ડિલીટ કેમ થયું. તેનું કારણ કાપીરાઇટનો ભંગ છે.
‘બદો બદી’ ગીત મૂળ જાણીતા ગાયિકા નૂરજહાંના એક લોકપ્રિય ગીતની લાઇન છે. જે ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘બનારસી ઠગ’નું ગીત હતું. જેને ચાહત ફતેહ અલી ખાને પોતાના અંદાજમાં રજૂ કર્યું હતું. એક મહિનાથી આ ગીતે દરેક પ્રકારના સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી.SS1MS