ખુલ્લા ખેતરમાંથી 13 દારૂડિયા નશાની હાલતમાં ઝડપાયા
પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મહેફીલ માણતા શખ્સોને ઝડપી પાડયા
(એજન્સી)વડોદરા, ગુજરાતમાં ૩૧ ડિસેમ્બર પહેલા રાજ્યની પોલીસ તમામ જગ્યાએ સતર્ક થઇ ગઇ છે. ત્યારે વડોદરાના પાદરામાંથી ગુરૂવારે મોડી રાતે દારૂની મહેફિલ પકડી પાડવામાં આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મેહફીલ માણતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મહેફિલમાં ૧૩ દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૩૧ ડિસેમ્બર પહેલા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પાદરા પોલીસે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે ૧૩ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે દારૂની બોટલ અને બિયરના ટીન પણ જપ્ત કર્યા હતા. વડોદરામાં અન્ય એક કિસ્સામાં પોલીસ સાથે ઝઘડો કરીને લાફો ઝીંકી દીધો હતો.
પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, બાપોદ જકાતનાકા જોગણી માતાના મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં પ્રકાશભાઇ દારૂ પીને હેરાન કરે છે. પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. સ્થળ પરથી પોલીસે નશાની હાલતમાં પ્રકાશ વિનોદભાઇને ઝડપી લીધો હતો. પ્રકાશને પકડીને પોલીસ વાનમાં બેસવા માટે કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો
અને પોલીસ સાથે ઝઘડો કરીને કહેવા લાગ્યો હતો કે, હું ગાડીમાં નહીં બેસુ, તમારાથી થાય તે કરી લો. પોલીસ જવાન તેને વાનમાં બેસાડવા માટે લઇ જતો હતો. તે સમયે અચાનક તેણે પોલીસ જવાનના શર્ટનો કોલર પકડીને ઝપાઝપી શરૂ કરી લાફો ઝીંકી દીધો હતો. તેણે પોલીસ જવાનને ધક્કો મારી દૂર ધકેલી દીધો હતો. ત્યારબાદ પોલીસ વાનના ડ્રાઇવર સાથે મળીને પોલીસ જવાન દેવજીભાઇએ પ્રકાશને વાનમાં બેસાડી દઇ પાણીગેટ પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.
આ સાથે વડોદરામાં અન્ય એક કિસ્સામાં પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરજણ ટોલ પ્લાઝા પાસેથી સ્ટેટ વિજિલન્સ દ્વારા વોચ ગોઠવી ટ્રકમાં આવી રહેલી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુ એક કેસમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.