ઈરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં ઈરાને મિસાઈલ હુમલો કરતા ૧૩ના મોત
કુર્દિસ્તાન, મહસા અમીનીના મોત બાદ હિજાબ વિવાદને લઈને વિશ્વભરમાં આલોચનાનો સામનો કરી રહેલા ઈરાને ઈરાકના કુર્દીસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા સહિત ૧૩ લોકોના મોત થયા છે અને લગભગ ૫૮ લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ હુમલો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.
ઈરાને કુર્દીસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલની સાથે સાથે ડ્રોનની પણ મદદ લીધી છે. આ હુમલો કુર્દિસ્તાનમાં ઈરાન વિરોધી જૂથોને ટાર્ગેટ કરતા કરવામાં આવ્યો છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું કહેવું છે કે તેણે એવા લોકોને હુમલામાં મારી પાડ્યા છે જેઓએ હાલમાં જ રમખાણોને સમર્થન આપ્યું હતું. જણાવી દઈએ કે લગભગ ૧૨ દિવસ પહેલા હિજાબ ન પહેરવા બદલ ઈરાની પોલીસે મહસા અમીની નામની મહિલાની અટકાયત કરી હતી. જ્યાં કસ્ટડીમાં જ અમીનીનું મોત થયું હતું. જે પછીથી સમગ્ર ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો તેજ થઈ ગયા છે.
જણાવી દઈએ કે મહસા અમીનીની હત્યાના વિરોધમાં પ્રદર્શનો પર સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. સરકારે વધતા પ્રદર્શનોને જાેતા ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ યુએનમાં ઘણા દેશોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગની નિંદા કરી છે.
મહસા અમીનીની હત્યાના વિરોધમાં ન્યુયોર્ક શહેરમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ભવન સામે સેંકડો ઈરાનીઓએ પ્રદર્શન કર્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનમાં મહિલાઓ અગ્નિ પ્રગટાવી પોતાના હિજાબને સળગાવીને લોકોમાં ખુશી વ્યક્ત કરી રહી છે. તે જ સમયે કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળ કાપીને ગુસ્સો વ્યક્ત કરી રહી છે.
ટેસ્લાની સાથે સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કએ જણાવ્યું હતું કે ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનને કારણે ઈન્ટરનેટ બંધ થવા વચ્ચે સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક સક્રિય થઈ રહી છે. મસ્કે આ જાણકારી અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના ટ્વીટ પર આપી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનના ટ્વીટનો જવાબ આપતા મસ્કે કહ્યું કે તેઓ ઈરાનમાં સ્ટારલિંકને સક્રિય કરી રહ્યા છે.HS1MS