Western Times News

Gujarati News

શિવરંજીની નજીક હિટ એન્ડ રન: એક મહિલાનું મોત, ત્રણ ગંભીર

કાર ચાલક પર્વ શાહ બપોર બાદ પોલિસ સ્ટેશનનમાં હાજર થઈ ગયો. પોલિસે તેની પુછપરછ શરૂ કરી દીધી છે. 

અમદાવાદ: અમદાવાદમાં સોમવારે રાત્રે 12.46 વાગ્યે શિવરંજની ચાર રસ્તા નજીક બીમાનગરના અમુલ પાર્લર પાસે થયેલા હિટ એન્ડ રન ના બનાવમાં ફૂટપાથ પર પરિવાર સાથે રહેતી એક મહિલાનું મોત થયું છે. આ બનાવમાં તેના જ પરિવારના ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે.

હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પીડિત લોકો જમવાનું બનાવી રહ્યા હતા તેમજ અમુક લોકો ઊંઘી રહ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે કાર ચાલક પૂર ઝડપે GJ01RU 8964 હુન્ડાઈ કંપનીની I20 કાર હંકારી રહ્યો હતો. સીસીટીવી પરથી લાગી રહ્યું છે કે બે કાર વચ્ચે મોડી રાત્રે રેસ જામી હતી. જેમાં પાછળના કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ધડાકાભાર ફૂટપાથ સાથે અથડાઈ હતી.

અકસ્માતને કારણે એક બાઈકને પણ ભારે નુકશાન થયું હતું. કાર ચાલક પર્વ શાહ બપોર બાદ અમદાવાદના એન ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલિસે તેની પુછપરછ શરૂ કરી દીધી છે.  તેના પિતાએ કહ્યું લોકોના ડરના કારણે ઘર છોડી ફરાર થયા હતા. 

અકસ્માત બાદ કારમાં સવાર ચાર લોકો ભાગી ગયા હતા. જેમાંથી બે લોકો કારની દિશામાં અને બે લોકો તેની વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા. આ સમયે હાજર લોકોએ તેમને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેવું પણ લાગી રહ્યું હતું.

એવી પણ વિગતો સામે આવી છે કે આ કારના માલિક સામે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવા સહિતના નવ મેમો ટ્રાફિક ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ગાડીના માલિક નવરંગપુરા વિસ્તારમાં રહે છે તેવું જાણવા મળ્યું છે અને આ ગાડી કરફ્યુના સમયમાં શિવરંજીની વિસ્તારમાં કેમ ફરી રહી હતી તેની પણ તપાસ કરવામાં આવશે.

અકસ્માત સમયે શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ હતો. આથી એવો પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે કે નાઇટ કર્ફ્યૂ લાગૂ હતો ત્યારે બે નબીરા રેસ કરી રહ્યા હતા તો નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ક્યાં હતી? જો પોલીસે પહેલા જ આ કારને ઝડપી પાડી હોત તો કદાચ એક શ્રમજીવી મહિલાનો જીવ બચી ગયો હોત.

 

ટ્રાફિક પોલીસની વેબસાઇટ પર તપાસ કરતા આ કારના માલિકનું નામ શેલૈષ શાહ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ કારના માલિક સામે નવ જેટલા ઈ-મેમો નોંધાયેલા છે. જેનો દંડ તેણે ભર્યો નથી.

આ નવ ઇ-મેમોમાંથી એક ઇ-મેમો બીઆરટીએસ ટ્રેકમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવાનો પણ છે. આ તમામ વાત પરથી એક વાત સ્પષ્ટ છે કે કાર ચલાવનાર ટ્રાફિકના અનેક નિયમોનો ભંગ કરી ચૂક્યા છે. નવ ઇ-મેમોમાં કેટલાક 2017ના વર્ષના પણ છે.

અમદાવાદના હિટ એન્ડ રન કેસ મામલે ટ્રાફિક પોલીસ ડીસીપી તેજસ પટેલ જણાવ્યું હતું કે, આ કેસમાં કાર ચાલકનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કારના ઇ-મેમોનો તમામ દંડ વસૂલ કરવામાં આવશે. તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ પાંચ ગનની મદદથી પૂર ઝડપે વાહન હંકારનારા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.