ધોળકામાં 1358 લાભાર્થીઓએ મેળવ્યા વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો

ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિમાં ધોળકા ખાતે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ સહિત વિવિધ સેવાઓ અને સહાયોના લાભો પૂરા પાડવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1358 લાભાર્થીઓને સરકારના વિવિધ વિભાગોને લાગતી સેવાઓ અને તેના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
ધોળકાના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું કે સુધારો કરવો, હેલ્થ વેલનેસ કાર્ડ, આવકનો દાખલો, આધાર કાર્ડમાં સુધારા અથવા બેંક એકાઉન્ટ લિંક કરવા, 7/12 અને 8-અ પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્ર, જન્મ મરણના પ્રમાણપત્ર, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર જેવી સેવાઓ સહિત પીએમ સ્વનિધી, નમો શ્રી, PMJY યોજના સહિતની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય વહીવટી અધિકારીઓ/કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.