છેલ્લા 3 વર્ષમાં 64,722 વડીલોએ 1,385 બસોમાં તીર્થયાત્રા કરી: મેળવ્યો ‘સરકારી તીર્થયાત્રા’નો લાભ

શ્રદ્ધાળુઓની સાથે ગુજરાત સરકાર: છેલ્લા 3 વર્ષમાં રૂ. 9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી
વર્ષ 2017-18થી ચાલતી વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે અત્યારસુધીમાં રૂ. 20.62 કરોડના ખર્ચે 1.58 લાખથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી છે
ગાંધીનગર, ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા તેમજ શ્રદ્ધા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને એટલે જ રાજ્યમાં જે લોકો પોતાના ખર્ચે તીર્થયાત્રાઓ કરી શકવામાં સક્ષમ નથી; તેવા શ્રદ્ધાળુઓની સાથે રહી સરકારી ખર્ચે રાજ્ય સરકાર તેમને તીર્થયાત્રા કરાવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આસ્થાપૂર્ણ અભિગમ સાથે એક બાજુ વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરી અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ કરી રહ્યા છે, તો હજારો શ્રદ્ધાળુઓને તીર્થયાત્રાઓ કરવા માટે સહાયક બની રહ્યા છે.
રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ચલાવી રહી છે કે જેના થકી રાજ્યની શ્રદ્ધાળુ પ્રજા સરકારી સહાય મેળવી રાજ્યમાં આવેલ પોતાના મનગમતા અને આસ્થા ધરાવતા તીર્થસ્થળો ઉપરાંત સિંધુ દર્શન તેમજ કૈલાશ માન સરોવર સુધીની યાત્રા કરી શકે. આવી યોજનાઓ રાજ્ય સરકાર પોતાના જાહેર સાહસ ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ના માધ્યમથી સંચાલિત કરી રહી છે. વર્ષ 2017-18થી ચાલતી આ યોજનાઓમાં મુખ્યત્વે ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’, ‘સિંધુ દર્શન યોજના’ અને ‘કૈલાશ માન સરોવર યોજના’નો સમાવેશ થાય છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાઓનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વર્ષ 2017-18થી અત્યાર સુધીના આંકડા જોઇએ, તો ઉપરોક્ત ત્રણેય યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે 1 લાખ 58 હજાર 760 શ્રદ્ધાળુઓને વિવિધ તીર્થસ્થળોની યાત્રાઓ કરાવી છે અને લાભાર્થી શ્રદ્ધાળુઓને ₹20 કરોડ, 62 લાખ 93 હજારની સહાય ચૂકવી છે.
રાજ્યમાં આ તીર્થ દર્શન યોજનાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ, તો વર્ષ 2022-23થી 2024-25 (માર્ચ-2025 સુધી) દરમિયાન કુલ 66 હજાર 233 શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થસ્થળોની યાત્રા કરી છે. રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને કુલ ₹9 કરોડ 86 લાખ 39 હજારની સહાય ચૂકવી છે. તેમાં સૌથી વધુ વડીલોએ આ યોજનાઓનો લાભ મેળવ્યો છે.
છેલ્લા 3 વર્ષમાં કુલ 64,722 વડીલોએ 1,385 બસોમાં પ્રવાસ કરી તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે. રાજ્ય સરકારે આ વડીલો માટે ₹7 કરોડ 59 લાખ 50 હજારની સહાય ચૂકવી છે. આ ઉપરાંત; છેલ્લા ત્રણ વર્ષમાં સિંધુ દર્શન યોજનાનો 1508 તથા કૈલાશ માન સરોવર યાત્રા યોજનાનો 3 લોકોએ લાભ લીધો છે. રાજ્ય સરકારે સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓને ₹2 કરોડ 26 લાખ 20 હજાર તેમજ કૈલાશ માન સરોવર યોજનાના લાભાર્થીઓને ₹69 હજારની સહાય ચુકવી છે.
બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2022-23માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 34,846 સીનિયર સિટીઝનોએ 819 બસો થકી પ્રવાસ કર્યો. તેના માટે સરકારે વડીલોને ₹4 કરોડ 26 લાખ 7 હજારની સહાય ચૂકવી છે.
તેવી જ રીતે; સિંધુ દર્શન યોજના હેઠળ 908 શ્રદ્ધાળુઓને ₹1 કરોડ 36 લાખ 20 હજારની સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2023-24માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 10,699 વડીલોએ 239 બસો થકી પ્રવાસ કર્યો, જેના માટે સરકારે તેમને ₹1 કરોડ 36 લાખ 17 હજારની સહાય ચૂકવી છે, તો સિંધુ દર્શન યોજના હેઠળ 300 શ્રદ્ધાળુઓને ₹45 લાખની સહાય ચૂકવવામાં આવી.
ગત વર્ષ 2024-25માં શ્રવણ તીર્થ દર્શન યોજનાનો 15,537 વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ 327 બસોમાં પ્રવાસ કરી વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરી. સરકારે તેમને ₹1 કરોડ 97 લાખ 26 હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ 300 યાત્રાળુઓને ₹45 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.