ગોધરા અને શહેરા તાલુકાની ૧૪ સસ્તા અનાજની દુકાનમાંથી ઘટ મળી આવતા કાર્યવાહી

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા પુરવઠા અધીકારી એચ.ટી.મકવાણા તથા તેમની ટીમે શહેરા અને ગોધરા તાલુકાની ૧૪ સસ્તા અનાજની દુકાન પર આકસ્મીક તપાસ હાથ ધરી હતી. શહેરા તાલુકાની ખરેડીયા, બોડીદ્રાખુર્દ, ગુણેલી, સાદરા, બોરડી, તરસંગ, ભુરખલ, ભાટના મુવાડા તથા રેણા ગામની તથા ગોધરા તાલુકાની ધાણીત્રા-૧, ધાણીત્રા-૨, સામલી, મોતાલ,
કરસાણા ગામની કુલ મળી ૧૪ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોની પુરવઠા અધીકારી એચ.ટી.મકવાણા દ્વારા આકસ્મિક તપાસણી કરતાં શહેરા તાલુકાની સાદરા ગામની ડી. એન. બારીયા, સંચાલિત એફપીએસમાં ઘઉંના ૭ કટ્ટાની ઘટ, ચોખાના ૬ કટ્ટાની ઘટ તથા તુવેરદાળના ૨ કટ્ટા મળીને કુલ ૧૫ અનાજના કટ્ટાની ઘટ તપાસમાં મળી આવી હતી.
ખરેડીયા ગામની આર. એલ. નાયકા, સંચાલિત એફપીએસમાં ઘઉંના ૧૬ કટ્ટાની ઘટ, ચોખાના ૨૭ કટ્ટાની ઘટ, ખાંડના ૨ કટ્ટાની તથા ચણાના ૧ કટ્ટા મળીને કુલ ૪૬ કટ્ટાની ઘટ જણાઇ આવી હતી. પુરવઠા વિભાગે શહેરા તાલુકાના સાદરા તથા ખરેડીયા ગામની વાજબી ભાવની દુકાનમાં કુલ મળી ૬૧ કટ્ટાની ઘટ જણાઇ આવતા શહેરાના સાદર તથા ખરેડીયા ગામની વ્યાજબી ભાવના પરવાનેદાર સામે ઘટ પડેલ
જથ્થા અંતર્ગત નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ શહેરા તાલુકાનાં ખરેડીયા ગામના વ્યાજબી ભાવના દુકાનદારને ત્યાં તપાસણી કરતા તેઓ દુકાને હાજર ન હોય ટેલીફોનીક સંપર્ક કરતા પરવાનેદારે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી ખરેડીયા ગામના પરવાનેદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.