૨૦ વર્ષ જૂની ગેરકાયદે ૧૪ દુકાનો સોનીની ચાલી પાસે તોડી પડાઈ
સોનીની ચાલી પાસે મેગા ડિમોલિશનઃ ગોતામાં ૧૪૦૦ ચો.મી.જગ્યાનો કબજાે મેળવાયો
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સતત રોડ, ફૂટપાથ પરનાં ગેરકાયદે દબાણ તેમજ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ પરનાં ગેરકાયદે બાંધકામ વગેરે સામે હથોડા ઝીંકાઈ રહ્યા છે, જે હેઠળ ગુરુવારે તંત્રએ પૂર્વ ઝોનમાં સોનીની ચાલી પાસે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું અને ૨૦-૨૦ વર્ષ જૂની ગેરકાયદે ૧૪ દુકાન તોડી પાડતાં આ પ્રકારનાં બાંધકામ કરનારાં તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડની સોનીની ચાલી પાસે આવેલા ટીપી સ્કીમ નં.૪૯ (રખિયાલ-પૂર્વ)ના એફપી-૭ના સેલ ફોર કોમર્શિયલ હેતુ ધરાવતા મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં છેલ્લાં ૨૦-૨૦ વર્ષથી ૧૪ દુકાનદારો ગેરકાયદે રીતે દુકાન બનાવીને તેનો વપરાશ કરતા હતા.
આ અંગે કોર્ટમાં તંત્ર દ્વારા ફરિયાદ તા કોર્ટના હુક્મ મુજબની સમયમર્યાદા પૂરી થઇ હતી અને આ સમયમર્યાદા પૂર્ણ થતાંની સાથે જ તંત્રએ ત્રાટકીને આ તમામ દુકાનને જમીનદોસ્ત કરાઈ હતી.
મ્યુનિ.તંત્રના સત્તાધીશોએ સોનીની ચાલી પાસે મેગા ડિમોલિશન કરીને આશરે ૧૪,૩૦૦ ચોરસ ફૂટ જમીનનો કબજાે મેળવ્યો છે. મ્યુનિસિપલ લીગલ ખાતા જાેડે સંકલન કરી વર્ષાે જૂની કોર્ટ મેટરનો નિકાલ કર્યાે છે. તંત્રની આ કામગીરીના પગલે આશરે પાંચ કરોડની કિંમતનો મ્યુનિ.માલિકીનો રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો છે.
દરમિયાન, પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એવી ચેતવણી આપી છે કે આ ઝોનનાં અન્ય સ્થળોએ પણ મ્યુનિ.રિઝર્વ પ્લોટ કે રોડ પરનાં ગેરકાયદે બાંધકામની સામે આકરાં પગલાં લેવાશે. કરોડો રૂપિયાના મ્યુનિ.પ્લોટ પચાવી પાડનારાં તત્ત્વો સામે તંત્ર બુલડોઝર ફેરવતાં અચકાશે નહીં. ભવિષ્યમાં પણ આ ઝોનમાં આ પ્રકારના મેગા ડિમોલિશન સતત ચાલુ રખાશે.
પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં દર ગુરુવારે ગુજરી બજાર ભરાતું હતું. એસ્ટેટ વિભાગની ટીમે ગુજરી બજારના કારણે લોકોને પડતી તકલીફને દૂર કરવા તેને બંધ કરાવવાની કામગીરી હાથ ધરી છે. ગુજરી બજારના લીધે દર ગુરુવારે ટ્રાફિક જામની સમસ્યા પણ થતી રહી છે.